શ્રી સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી ભાગ-1

ભગવાન સ્વામિનારાયણ કહે છે :
1. સંવત ૧૮૮૨ના મહા સુદી પંચમીના દિવસે, અમે, સર્વે દેશમાં રહેલા અમારા સર્વે આશ્રિતો પ્રત્યે આ શિક્ષાપત્રી લખીએ છીએ.
2. અમારા સર્વે આશ્રિતોએ પોતાના ધર્મની રક્ષા કરનારા, શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અમારા રૂડા આશીર્વાદ વાંચવા.
3. શિક્ષાપત્રી લખવાનું કારણ સર્વી એકાગ્ર મને ધારવું.
4. તે સર્વે જીવનું હિત કરનારી, પરમ કલ્યાણકારી છે. સર્વે મનુષ્યમાત્રને મનવાંછિત ફળ દેનારી છે.
5. જે કોઈ આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે.
6. અમારી બુદ્ધિથી સર્વે સત્શાસ્ત્રોનો સાર કાઢીને શિક્ષાપત્રી લખી છે.
7. પ્રીતિપૂર્વક આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું. તેનું ઉલ્લંઘન કરીને વર્તવું નહિ.
8. શિક્ષાપત્રીમાં અમે લખેલા ધર્મનો વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથ થકી જાણવો.
9. જે બાઈભાઈ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે અમારા સંપ્રદાય થકી બહાર છે.
10. શિક્ષાપત્રીનો નિત્ય પાઠ કરવો; અને જેમને ભણતાં આવડતું ન હોય તેમણે આદરપૂર્વક આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. વાંચી સંભળાવે એવો કોઈ ન હોય તો તેની નિત્ય પૂજા કરવી. 11. શિક્ષાપત્રી દૈવી મનુષ્ય હોય તેને આપવી; પરંતુ જે આસુરી હોય તેને તો ક્યારેય ન આપવી.
12. અમારી વાણી અમારું સ્વરૂપ છે – એમ માની શિક્ષાપત્રીને પરમ આદરપૂર્વક માનવી.
ધર્મ-સદાચારનો માર્ગ :
13. શ્રુતિ-સ્મૃતિએ પ્રતિપાદન કરેલો સદાચાર તે ધર્મ જાણવો.
14. સતશાસ્ત્રોએ પ્રતિપાદન કરેલા અહિંસા આદિક સદાચારને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય આ લોક ને પરલોકમાં મહા સુખિયા થાય છે.
15. સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે. તે આ લોક ને પરલોકમાં નિશ્ચય મોટું કષ્ટ પામે છે.
16. પોતપોતાના વર્ણાશ્રમના ધર્મનો કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો. પરધર્મ, પાખંડધર્મ તેમજ કલ્પિત ધર્મનું આચરણ ન કરવું
17. ઘણું ફળ મળતું હોય તો પણ ધર્મે રહિત કાર્ય ન જ કરવું. કારણ કે ધર્મ જ સર્વ પુરુષાર્થ આપનારો છે. માટે કોઈક ફળના લોભે ધર્મનો ત્યાગ ન કરવો.
18. પૂર્વે થયેલા મોટા પુરુષોએ જો ક્યારેય અધર્માચરણ કર્યું હોય તો તેનું અનુસરણ ન કરવું. તેમણે જે ધર્માચરણ કર્યું હોય તેનું જ અનુસરણ કરવું.
19. ધર્મે રહિત ભગવાનની ભક્તિ કોઈ પ્રકારે ન કરવી. ભગવાનની ભક્તિ ધર્મે સહિત જ કરવી, એ સર્વે સત્શાસ્ત્રનું રહસ્ય છે.
નિત્ય આહનિક કર્મ :
20. સત્સંગીએ કંઠમાં તુલસીની બેવડી કંઠી નિત્યે ધારવી.
21. નિત્યે સૂર્ય ઊગ્યાથી પ્રથમ જ જાગવું. ભગવાનનું સ્મરણ કરી શૌચવિધિ કરવા જવું.
22. પછી એક સ્થાને દાતણ કરવું. પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું.
23. પછી શુદ્ધ, કોઈ બીજા આસનને અડ્યું ન હોય અને જેની ઉપર સારી પેઠે બેસાય એવા આસન પર પૂર્વ કે ઉત્તર મુખે બેસવું.
24. ભગવાનના પ્રસાદીભૂત ચંદન અથવા ગોપીચંદન વડે લલાટ, હ્રદય અને બે ભુજાએ ચારે ઠેકાણે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું. લલાટમાં તિલક કરવું. લલાટમાં તિલકના મધ્યમાં ગોળ ચાંદલો કુંકુમ વડે કરવો. અન્યત્ર ચંદનનો ચાંદલો કરવો.
25. સધવા સ્ત્રીઓએઓ પોતાના ભાલે કેવળ કુંકુમનો ચાંદલો કરવો.
26. વિધવા સ્ત્રીઓએ પોતાના ભાલે તિલક કે ચાંદલો ન કરવાં.
27. પછી મને કરીને કલ્પ્યાં ચંદન-પુષ્પાદિક ઉપચારથી ભગવાનની માનસી પૂજા કરવી.
28. પછી ભગવાનની ચિત્રપ્રતિમાનું આદરથી દર્શન કરીને, નમસ્કાર કરીને પોતાના સામર્થ્ય પ્રમાણે સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવો. પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું.
29. વૃદ્ધપણાથી અથવા કોઈ મોટા આપત્કાળથી અસમર્થપણું થઈ જાય તો પોતાની પૂજા-સેવા બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું.
30. નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો.
31. અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિરે(ગામમાં મંદિર ન હોય તો ઘરમંદિરમાં આરતી-નામ-સંકીર્તન કરવું) જવું.
32. ભગવાનની કથાવાર્તા પરમ આદર થકી કરવી ને સાંભળવી.
આત્મનિવેદી ભક્તનાં નિત્યકર્મ :
33. અંબરીષ રાજાની પેઠે આત્મનિવેદી ભક્ત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યન્ત સર્વે ક્રિયા કરવી.
34. આત્મનિવેદી ભક્તે પાષાણ અથવા ધાતુની ભગવાનની પ્રતિમાની પૂજા દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત ચંદન-પુષ્પ-ફળાદિક વસ્તુથી કરવી. પછી સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવો.
35. પછી ભગવાનનાં સ્તોત્ર અથવા ગ્રંથનો પાઠ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે ભગવાનનું નામકીર્તન કરવું.
36. પછી ભગવાનને નૈવેદ્ય કરીને તે પ્રસાદીનું અન્ન જમવું.
37. આત્મનિવેદી ભક્તે ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું. પત્ર, કંદ, ફળાદિક વસ્તુ તે પણ ભગવાનને અર્પણ કર્યા વિના ન ખાવું.
38. આત્મનિવેદી ભક્તોએ સદાય પ્રીતિપૂર્વક ભગવાનની સેવાપરાયણ થવું.
39. ભગવાનના સંબંધથી તે આત્મનિવેદી ભક્તની સર્વે ક્રિયા નિર્ગુણ થાય છે. તેથી આત્મનિવેદી ભક્તને નિર્ગુણ કહ્યા છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors