ત્રિક્ સ્થાનો : એક અભિનવ ર્દષ્ટિકોણ

ત્રિક્ સ્થાનો : એક અભિનવ ર્દષ્ટિકોણ
જન્મકુંડળીમાં છઠ્ઠા, આઠમા અને બારમા સ્થાનોને કનિષ્‍ઠ સ્થાનો તરીકે જોવામાં આવે છે. શાસ્ત્રીય ર્દષ્ટિએ ૧-૪-૭-૧૦ એ સ્થાનો કેન્દ્ર-સ્થાનો છે. ૨-૫-૮-૧૧ એ પણ-ફર સ્થાનો છે અ ને ૩-૬-૯-૧૨ એ આપોકિલમ સ્થાનો છે. એટલે આઠમું સ્થાન પણ ફર અને છઠું-બારમું આપોકિલમ સ્થાનો થયાં. વળી, સ્થાનોની જે ઉપચય- અનુપચય એવી સંજ્ઞાઓ છે, તે મુજબ છઠ્ઠું સ્થાન ઉપચય-સ્થાન અને આઠમું-બારમું અનુપચય-સ્થાનો છે. સ્થાનોમાં આ શાસ્ત્રીય વિભાજનો ઉપરથી સ્પષ્‍ટ થાય છે કે છઠ્ઠાં, આઠમાં અને બારમાં સ્થાનોને તદ્દન અલગ તારવવામાં આવ્યાં નથી. જો કે ષષ્‍ઠાષ્‍ટમાંત્યાનિ ત્રિકસંજ્ઞાનિ એવું એક સૂત્ર છે, જે ૬-૮-૧૨ સ્થાનોને ત્રિક્ સ્થાનો એવી સંજ્ઞા આપીને અલગ તારવે છે.
શાસ્ત્રોમાં ૬-૮-૧૨ સ્થાનોના ફળાદેશ ઉપર નજર કરતાં પહેલી ર્દષ્ટિએ તો એમ જ લાગે કે આ સ્થાનો અનેક રીતે માનવજીવનમાં હાનિ કરનાર સ્થાનો છે, પરંતુ શક્તિનો જે સનાતન નિયમ છે તે એવો છે કે શક્તિનો નાશ નથી થતો, પરંતુ તેનું પરિણમન થતું હોય છે, તેથી પરિણામ ઉપરથી તેને શુભ-અશુભ સંજ્ઞા મળે છે. ફળાદેશ એ ઘણો જ બારીક વિષય છે. માત્ર ૬-૮-૧૨માં સ્થાનોમાં પડેલા ગ્રહોને જોઈને જ ફળાદેશ આપી દેવો તે યોગ્ય નથી.
૬-૮-૧૨ સ્થાનો સામાન્ય રીતે કનિષ્‍ઠના નિર્દેશક છે એ ખરુ, પરંતુ અમુક વિશિષ્‍ટ સ્થિતિમાં આ સ્થાનો માનવજીવનની ઉન્‍નતિ કરનારાં પણ બની રહે છે. મારા અનુભવે નીચેની વિશિષ્‍ટ સ્થિતિમાં ૬-૮-૧૨ સ્થાનો વિધાયક ફળ આપનારાં બને છે :
(૧) છઠ્ઠા, આઠમા કે બારમા સ્થાનમાં જ્યારે મંગળ, શનિ, રાહુ હોય છે, ત્યારે તે ગ્રહો જાતકને માટે ઉન્‍નતિકારક સિદ્ધ થાય છે.
(૨) છઠ્ઠા, આઠમા અને બારમા સ્થાનના સ્વામીઓ જ્યારે છઠ્ઠા, આઠમા, બારમા સ્થાનોમાંથી જ કોઈ સ્થાનમાં હોય છે, ત્યારે જાતકને ઉન્‍નતિકારક ફળ આપે છે.
ઉપરના સિદ્ધાંતોને જન્મકુંડળીઓનાં ઉદાહરણો દ્વારા તપાસીએ એ પહેલાં એટલું યાદ રાખવું જરૂરી છે કે આ સ્થાનોના સંદર્ભમાં જ્યારે જાતકની પ્રગતિ કે ઉન્‍નતિ થાય છે, ત્યારે પ્રારંભમાં જાતકને કેટલાક સંઘર્ષોમાંથી અવશ્ય પસાર થવું પડે છે. બીજી મહત્વની બાબત એ છે કે ઉપર જે સિદ્ધાંતો આપ્‍યા છે તે મુજબ જે જે જાતકોના જીવનમાં ઉન્‍નતિ થઈ છે, તેમાં આધ્યાત્મિક-ભાવનું મહત્વ રહ્યું છે. આવો જાતક કાં તો સંપૂર્ણપણે આધ્યાત્મિક જીવન ગાળે છે, અથવા જો તે ભૌતિક સંપ્રાપ્તિઓને પામે તો પણ તેની મનોવૃત્તિ અને તેનું વલણ હંમેશાં આધ્યાત્મિક જ રહે છે.
હવે આપણે ઉપર્યુક્ત તારણોના સંદર્ભમાં કેટલીક કુંડળીઓ તપાસીએ :
સ્વામી વિવેકાનંદની કુંડળી આ મુજબ છે : ધનલગ્ન, બીજે મકરના સૂર્ય-બુધ, બીજે મકરનો શુક્ર, પાંચમે મેષનો મંગળ, છઠ્ઠે વૃષભનો કેતુ, દસમે કન્યાના ચંદ્ર-શનિ, અગિયારમે તુલાનો ગુરુ અને બારમે વૃશ્ચિકનો રાહુ.
અહીં બારમા સ્થાનના રાહુએ વિવેકાનંદને ઉજ્જવળ અને ક્રાંતિકારી પ્રતિભા આપી છે. કોઈના સાથ-સહકાર વિના અને પૈસા વિના આ મહાપુરુષ અમેરિકા ગયા અને અમેરિકા જેવા ભૌતિકવાદી દેશમાં તેમણે આધ્યાત્મિક વિચારોનું પ્રદાન કર્યું.
સહજાનંદ સ્વામીનું લગ્ન વૃશ્ચિક લગ્ન છે અને છઠ્ઠા સ્થાને મેષનો રાહુ છે. સહજાનંદ સ્વામીએ અનેક કષ્‍ટો ઉઠાવ્યાં, અષ્‍ટાંગ યોગ સિદ્ધ કર્યો અને છેવટે અનેક લોકોના જીવનમાં તેમણે પ્રકાશ પાથર્યો.
શ્રી મોરારજી દેસાઈની જન્મકુંડળીમાં આઠમા સ્થાને મકરનો મંગળ છે. અનેક સંઘર્ષોથી તેમનું જીવન ભરેલું રહ્યું છે. છેવટે, દેશના વડાપ્રધાન પણ તેઓ થયા. તેમના જીવનમાં સતત આધ્યાત્મિકતા રહી છે.
ઉપર્યુક્ત ત્રણે કુંડળીઓમાં જોઈ શકાય છે કે છઠ્ઠા, આઠમા, બારમા સ્થાનોમાં રહેલા રાહુ-મંગળ-શનિ જેવા ગ્રહો જાતકને સંઘર્ષપૂર્ણ છતાં આદર્શ અને સફળ જીવન આપે છે.
હવે છઠ્ઠા, આઠમા, બારમા સ્થાનોમાં રહેલા નીચના ગ્રહો મનુષ્‍યને કેવું ઉત્તમ ફળ આપે છે, તેના ઉદાહરણો જોઈએ :
સ્વામી રામતીર્થનું મીન લગ્ન છે અને આઠમા સ્થાને તુલાનો એટલે કે નીચનો સૂર્ય છે. હવે સૂર્ય તો આત્માનો કારક છે. સામાન્ય રીતે સૂર્ય નીચનો હોય તો આત્મબળ પ્રબળ ન હોવું જોઈએ. છતાં આપણે જાણીએ છીએ કે સ્વામી રામતીર્થનું સમગ્ર જીવન પ્રબળ આત્મબળનું સર્વોચ્ચ ઉદાહરણ છે આઠમા સ્થાનનો નીચનો સૂર્ય અહીં કારણરૂપ બન્યો છે.
મહાન વૈજ્ઞાનિક સી. વી. રામનનું તુલા લગ્ન છે અને બારમા સ્થાને કન્યાનો શુક્ર છે, જે નીચનો છે. નીચના શુક્રે સી. વી. રામનની સમગ્ર શક્તિઓને સંશોધનના વિષયમાં કેન્દ્રિત કરી છે.
શ્રી રમણ મહર્ષિ‍નું તુલા લગ્ન છે અને આઠમા સ્થાને મેષનો શનિ છે, જે નીચનો છે. આ નીચેના શનિએ તેમને સંપૂર્ણપણે આત્મદર્શી-અંતર્મુખી પ્રતિભા આપી.
હવે છઠ્ઠા, આઠમા કે બારમા સ્થાનના સ્વામીઓ છઠ્ઠા, આઠમાં કે બારમાં સ્થાનો પૈકી ગમે તે સ્થાનમાં હોય તો જાતકને સારું ફળ આપે છે, એ તારણને સમર્થન આપતાં ઉદાહરણો જોઈએઃ પ્રસ્થાનત્રયીના મહાન ભાષ્‍યકાર અને ભક્તિ-સિદ્ધાંતના પ્રવર્તક, શ્રી રામાનુંજાચાર્યનું કર્ક લગ્ન છે બીજે સિંહનો મંગળ, છઠ્ઠે ધનનો શનિ, દશમે મેષના સૂર્ય-બુધ-શુક્ર, અગિયારમે વૃષભનો રાહુ અને બારમે મિથુનના ચંદ્ર-ગુરુ છે. આમ, તેમના છઠ્ઠા સ્થાનનો સ્વામી ગુરુ બારમા સ્થાનમાં છે. શ્રી રામાનુજાચાર્યે ૧૨૫ વર્ષનું પૂર્ણ આયુષ્‍ય ભોગવ્યું અને ભક્તિના શ્રેષ્‍ઠ સિદ્ધાંતો જગતને આપ્‍યા.
આચાર્ય રજનીશનું વૃષભ લગ્ન છે. તેમનો શુક્ર આઠમા સ્થાને છે. આ શુક્ર છઠ્ઠા સ્થાનમાં રહેલ તુલાનો અધિપતિ થયો છે. આમ, છઠ્ઠા સ્થાનનો સ્વામી આઠમા સ્થાને જતાં કલા અને વૈભવના કારક આ શુક્રે તેમને અદ્વિતીય વાણીપ્રભાવ અને વૈભવની બક્ષિ‍સ આપી છે.
ડૉ. ઝાકિરહુસેનને મિથુન લગ્ન છે. છઠ્ઠા સ્થાને રહેલો વૃશ્ચિક રાશિનો અધિપતિ મંગળ તેમની કુંડળીમાં બારમા સ્થાને વૃષભમાં પડ્યો છે. છઠ્ઠાનો સ્વામી સત્તાનો કારક મંગળ બારમે ગયો, છતાં તેમને તો દેશના રાષ્‍ટ્રપતિનું સર્વોચ્ચ પદ મળ્યું.
આમ, છઠ્ઠા, આઠમા, અને બારમા સ્થાનો ઉપરથી ફળાદેશ આપતાં પહેલાં ઉપર્યુક્ત બાબતોને લક્ષમાં લેવામાં આવશે તો ફળાદેશમાં વધુ ચોકસાઈ આવશે અને દેખીતી રીતે નબળી જણાતી કુંડળીઓવાળા જાતકોનાં જીવનમાં થયેલી ઉન્‍નતિના રહસ્યનો ઉકેલ મળી રહેશે.
અંતે, એક બાબત સિદ્ધાંત તરીકે નહીં, પરંતુ નિરીક્ષણ તરીકે રજૂ કરું છું. છઠ્ઠા, આઠમા, બારમા સ્થાનોમાં રહેલા વક્રી ગ્રહો પણ સારું ફળ આપે છે, એવું મેં કેટલીક કુંડળીઓમાં જોયું છે, પરંતુ જ્યાં સુધી આ વિષયમાં પૂરતા પ્રમાણમાં ઉદાહરણો જોવા ન મળે, ત્યાં સુધી નિર્ણય બાંધવો યોગ્ય ન ગણાય, તેથી આ દિશામાં માત્ર નિર્દેશ કરું છું.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors