ગુજરાત ના નૃત્યો ની વિશેષતા

ગુજરાત ના નૃત્યો ની વિશેષતા

ગુજરાત ના નૃત્યો ની વિશેષતા
(૧) ગરબો : ગરબો શબ્‍દ ‘ગર્ભદીપ’ ઉપરથી બન્‍યો છે. ગુજરાતમાં શકિતપૂજા પ્રચલિત થઇ ત્‍યારથી ગરબો લોકપ્રીય છે. ગરબામાં માટલીમાં છિદ્રો રાખીને દીવો ગોઠવવામાં આવે છે. આ ગરબાને માથા ઉપર લઇને નવરાત્રીમાં સ્‍ત્રીઓ આદ્યશકિત અંબિકા, બહુચરા વગેરેના ગરબા ગાય છે.
(૨) રાસ : હલ્‍લીસક અને લાસ્‍ય નૃત્‍યમાંથી તેનો જન્‍મ થયો છે. વૈષ્‍ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ લોકપ્રીય બન્‍યો છે.
(૩) હાલીનૃત્‍ય : હાલીનૃત્‍ય સુરત જિલ્‍લામાં દૂબળા આદિવાસીઓનું નૃત્‍ય છે. એક પુરુષ અને એક સ્‍ત્રી ગોળાકારમાં ગોઠવાઇને, કમ્‍મર ઉપર હાથ રાખીને નાચે છે. સાથે ઢોલ અને થાળી વગાડતાં હોય છે.
(૪) ભીલનૃત્‍ય : પંચમહાલનાં ભીલનૃત્‍યો પૈકી યુદ્ઘનૃત્‍ય વિશેષ જાણીતું છે. યુદ્ઘનું કારણ પ્રેમપ્રસંગ હોય છે. આ નૃત્‍ય પુરુષો કરે છે. ઉન્‍માદમાં આવી જઇને તેઓ ચિચિયારીઓ પાડે છે અને જોરથી કુદકા મારે છે. આ નૃત્‍ય કરતી વખતે તેઓ તીરકાંમઠાં, ભાલાં વગેરે સાથે રાખે છે અને પગમાં ઘૂઘરા બાંધે છે. સાથે મંજીરા પૂંગીવાદ્ય અને ઢોલ પણ વાગતાં હોય છે. ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતું આ નૃત્‍ય ‘આગવા’ તરીકે ઓળખાય છે. ઓખામંડળના વાઘેરો અને પોરબંદરના મેર તલવાર સાથે કૂદકા મારતાં આ નૃત્‍ય કરે છે.
(૫) દાંડિયા રાસ : દાંડિયા રાસમાં ભાગ લેનારના હાથમાં બે દાંડિયા હોય છે. આ દાંડિયા સાથે તે તાલબદ્ઘ રીતે ગોળાકારમાં ફરે છે અને સામસામા બેસીને અથવા ફરતાં ફરતાં પરસ્‍પર દાંડિયા અથડાવે છે. આ રાસ સાથે ઢોલ, તબલાં, મંજીરા વગેરે પણ વાગતાં હોય છે. (૬) ગોફગૂંથણ : રંગીન કાપડની પટ્ટી, રાશ કે દોરીને એક કડીમાં બાંધીને ગુચ્‍છો બનાવાય છે. એક હાથમાં દોરીનો છેડો અને બીજા હાથમાં દાંડિયો પકડીને નૃત્‍ય કરવામાં આવે છે. આ નૃત્‍યમાં દોરીની ગૂંથણી અને હલનચલન મુખ્‍ય છે. આ નૃત્‍યમાં પુરુષો ભાગ લે છે.
(૭) ટિપ્‍પણી નૃત્‍ય : આ નૃત્‍ય ધાબું ધરવા માટે ચૂનાને પીસતી વખતે થાય છે. ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો ટિપ્‍પણી વડે ટીપવાની ક્રિયા સાથે તાલબદ્ઘ નૃત્‍ય કરે છે.
(૮) પઢારોનું નૃત્‍ય : નળકાંઠાના પઢારો મંજીરાં લઇને ગોળાકારમાં નૃત્‍ય કરતા હોય છે. પગ પહોળા રાખીને હલેસાં મારતા હોય છે કે અડધા બેસીને, અડધા સુઇને નૃત્‍યની વિવિધ મુદ્રાઓ કરતા હોય છે. આ નૃત્‍ય સાથે એકતારો, તબલાં, બગલિયું અને મોટાં મંજીરા વગાડવામાં આવે છે.
(૯) માંડવી અને જાગનૃત્‍ય : ઉત્તર ગુજરાતમાં નવરાત્રિમાં સોજા, મહેરવાડા, રૂપાલ વગેરે સ્‍થળોએ તથા અમદાવાદમાં ઠાકરડા, પાટીદાર, રજપૂત વગેરે કોમની બહેનો માથે માંડવી કે જાગ મૂકીને આ નૃત્‍ય કરે છે. એક બહેન ગવરાવે છે અને બીજી બહેનો માથે માંડવી મૂકી હાથમાં તાળી આપી નૃત્‍ય કરે છે.
(૧૦) રૂમાલનૃત્‍ય : મહેસાણા જિલ્‍લાના ઠાકોરો હોળી તથા મેળાના પ્રસંગોએ હાથમાં રૂમાલ રાખી નૃત્‍ય કરતા હોય છે. ઘોડા કે અન્‍ય પશુનું મહોરું પહેરીને પણ આ નૃત્‍ય કરાય છે.
(૧૧) હમચી કે હીંચનૃત્‍ય : સીમંત, લગ્‍ન કે જનોઇના પ્રસંગે રાંદલ માતાને તેડવામાં આવે છે. રાંદલ માતા ફરતી બહેનો રાંદલમાની સ્તુતિ કરતાં હમચી ખૂંદે છે કે હીંચ લે છે.
(૧૨) રાસડા : રાસડામાં લોકસંગીત મુખ્‍ય હોય છે. આ ત્રણ તાલી રાસનો એક પ્રકાર છે. કોળી અને ભરવાડ કોમોમાં સ્‍ત્રી-પરુષો સાથે રાસડા લે છે. રાસડામાં ઉપયોગમાં લેવાતાં વાદ્યોમાં મોરલી, પાવા, શરણાઇ, કરતાલ, ઝાંઝ, ઘૂઘરા, મંજીરા, ઢોલ, ઢોલક, ડફ અને ખંજરી મુખ્‍ય છે.
(૧૩) કોળી નૃત્‍ય : કોળી સૌરાષ્‍ટ્રની રંગીલી કોમ છે. તેઓ મધ્‍યમ કદના હોય છે. તેમના શરીર પાતળાં અને ચેતનવંતા હોય છે. તરણેતરનો મેળો કોળીઓનો જ મેળો છે. કોળી સ્‍ત્રી ત્રણ તાલીના રાસમાં ચગે છે. મીઠી હલકે, મીઠા કંઠે અને મોકળા મને ગાતી તેમજ વાયુના હિલોળાની જેમ ઝૂમતી કોળી સ્‍ત્રીને જોવી એ એક લહાવો છે.
(૧૪) મેરનૃત્‍ય : મેર જાતિનું લડાયક ખમીર અને આકર્ષક બાહુબળ આ નૃત્‍યમાં આગવું સ્‍વરૂપ ધારણ કરે છે. ઢોલ અને શરણાઇ એમનાં શૂરાતનને બિરદાવતાં હોય છે. મેર લોકોમાં પગની ગતિ તાલબદ્ઘ હોવા છતાં તરલતા ઓછી હોય છે. કયારેક તેઓ એક થી દોઢ મીટર જેટલાં ઊંચા ઊછળે છે અને વીરરસ તથા રૌદ્રરસની પ્રસન્‍ન ગંભીર છટા ઊભી કરે છે.
(૧૫) સીદીઓનું ધમાલનૃત્‍ય : જાફરાબાદ પાસે જંબુસર ગામમાં સીદી લોકોની ત્રણસો વર્ષ જૂની વસાહત છે. તેઓ મૂળ આફ્રિકાના અહીં આવીને વસેલા મુસલમાનો છે. હાથમાં મશીરાને (નાળિયેરની આખી કાચલીમાં કોડીઓ ભરીને) તાલબદ્ઘ ખખડાવે છે. મોરપીચ્‍છનો ઝુડો ફેરવતો જાય છે.
(૧૬) મેરાયો : આ બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરોનું લોકનૃત્‍ય છે. સરખડ અથવા ઝૂંઝાળી નામના ઘાસમાંથી તોરણ જેવાં ઝૂમખાં ગૂંથીને ‘મેરાયો’ બનાવવામાં આવે છે. મેરાયો ઘુમાવતી આ ટોળી મેળામાં સ્‍થળે પહોંચે છે. પછી ખુલ્‍લી તલવારથી પટાબાજી ખેલતા બે મોટિયારો દ્વંદ્વયુદ્ઘ માટે એકબીજાને પડકારે છે. આ દ્રશ્‍ય જોનારને હ્રદય થંભી જતું હોય એમ લાગે છે. ત્‍યાં એકાએક બંને લડવૈયા સામસામે એકબીજાને ભેટી પડે છે. આ વખતે ‘હુડીલા’ (શૌર્યગાન) ગવાય છે. (૧૭) ડાંગીનૃત્‍ય : ડાંગ જિલ્‍લાના આદિવાસીઓનું ડાંગીનૃત્‍ય ‘ચાળો’ તરીકે ઓળખાય છે. ‘માળીનો ચાળો’ , ‘ઠાકર્યા ચાળો’ વગેરે. ડાંગીનૃત્‍યના ૨૭ જાતના તાલ છે. તેઓ ચકલી, મોર, કાચબા વગેરે જેવાં પ્રાણીઓ અને પંખીઓની નૃત્‍ય સ્‍વરૂપે કરે છે. થાપી, ઢોલક, મંજીરા કે પાવરી નામનાં વાજિંત્રોમાંથી સૂર વહેતાં થતાં જ સ્‍ત્રી-પુરુષો નાચવા માંડે છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors