મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ સારાંશ-ચોરી અને પ્રાયશ્ર્ચિત

ચોરી અને પ્રાયશ્ર્ચિત

માંસાહારના કાળનાં તેમ જ તે પહેલાના કાળના કેટલાક દૂષણોનુ વર્ણન હજુ કરવું રહે છે. તે વિવાહ પૂર્વના કે તે પછી તુરતના સમયના છે.મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે. બીડી પીવામાં કંઇ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે એવું તો અમ બેમાંથી એકેને નહોતું લાગ્‍યુ, પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઇક રસ છે એવુ લાગેલુ. મારા કાકાને બીડી પીવની ટેવ હતી, ને તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઇ અમને પણ ફૂંકવાની ઇચ્‍છા થઇ. પૈસા તો ગાંઠે ન મળે, એટલે કાકા બીડીનાં ઠૂંઠાં ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું.પણ ઠૂંઠાં કંઇ હરવખતે મળી ન શકે, અને તેમાંથી બહુ ધુમાડોયે ન નીકળે. એટલે ચાકરની ગાંઠે બેચાર દોકડા હોય તેમાંથી વચ્‍ચે વચ્‍ચે એકાદ ચોરવાની ટેવ પાડી ને અમે બીડી ખરીદતા થયા. પણ એને સંધરવી કયાં એ સવાલ થલ પડયો. વડીલોના દેખતાં તો બીડી પિવાય જ નહી એ ખબર હતી. જેમતેમ કરી બેચાર દોકડા ચોરીને થોડા અઠવાડીયા ચલાવ્‍યું. દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ (તેનું નામ તો ભૂલી ગયો છું) થાય છે, તેની ડાંળખી બીડીની જેમ સળગે છે, ને તે પી શકાય. અમે તે મેળવીને ફુંકતા થયા !
પણ અમને સંતોષ ન થયો. અમારી પરાધીનતા અમને સાલવા લાગી. વડીલોની આજ્ઞા વિના કંઇ જ ન થાય એ દુઃખ થઇ પડયું. અમે કંટાળ્યા ને અમે તો આપઘાત કરવાનો નિશ્ર્ચય કર્યોં !
પણ આપઘાત કઇ રીતે કરવો ? ઝેર કોણ આપે ? અમે સાંભળ્યું કે ધતૂરાના ડોડવાનાં બી ખાઇએ તો મૃત્યુ નીપજે. અમે વગડામાં જઇ તે મેળવી આવ્‍યા. સંધ્‍યાનો સમય શોધ્‍યો. કેદારજીને મંદિરે દીપમાળમાં ઘી ચડાવ્‍યું, દર્શન કર્યા, ને એકાંત શોધી. પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે. તુરત મૃત્‍યુ નહીં થાય તો ? મરીને શો લાભ ? પરાધીનતા કાં ન ભોગવી છૂટવું ? છતાં બેચાર બી ખાધા બીજા ખાવાની હિંમત જ ન ચાલી. બન્‍ને મોતથી ડર્યા, અને રામજીને મંદિર જઇ દર્શન કરી શાંત થઇ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો.
હું સમજયો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, આપઘાત કરવો સહેલ નથી. આથી જયારે કોઇ આપઘાત કરવાની ધમકી આપે છે ત્‍યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે, અથવા મુદ્દલ થતી જ નથી એમ કહું તો ચાલે.
આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્‍યું કે અમે બન્‍ને એઠી બીડી ચોરીને પીવાની તેમ જ નોકરના દોકડા ચોરવાની ને તેમાંથી બીડી લઇ ફુંકવાની ટેવ ભૂલી જ ગયા. મોટપણે બીડી પીવાની ઇચ્‍છા જ મને કદી નથી થઇ, અને એ ટેવ જંગલી, ગંદી ને હાનીકારક છે એમ મેં સદાય માન્‍યું છે. બીડીનો આટલો જબરદસ્‍ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શકિત હું કદી મેળવી શકયો નથી. જે આગગાડીમાં ડબામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્‍યાં બેસવું મને ભારે થઇ પડે છે ને તેના ધુમાડાથી હું ગુંગળાઇ જાઉં છું.
બીડીઓના ઠૂંઠાં ચોરવા ને તેને અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું. બીડીનો દોષ થયો ત્‍યારે ઉંમર બારતેર વર્ષની હશે; કદાચ તેથીયે ઓછી. બીજી ચોરી વેળાએ ઉંમર પંદર વર્ષની હશે. આ ચોરી મારા માંસાહારી ભાઇના સોનાના કડાના કકડાની હતી. તેમણે નાનું સરખું એટલે પચીસેક રૂપિ‍યાનું કરજ કર્યુ હતું. એ કેમ પતાવવું એનો અમે બન્‍ને ભાઇ વિચાર કરતા હતા. મારા ભાઇને હાથે સોનાનું નક્કર કડું હતું. તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્‍કેલ નહોતું.
કડું કપાયું. કરજ ફીટયું. પણ મારે સારુ આ વાત અસહ્ય થઇ પડી. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ર્ચય કર્યો. પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઇએ એમ લાગ્‍યું. જીભ તો ન ઊપડે. પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો. તેમણે કોઇ દિવસ અમને એકે ભાઇને તાડન કર્યુ હોય એવું મને સ્મરણ નથી. પણ પોતે દુઃખી થશે, કદાચ માથું કૂટશે તો ? એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઇએ, તે વિના શુદ્ધિ ન થાય, એમ લાગ્‍યું.
છેવટે ચિઠ્ઠી લખીને દોક્ષ કબૂલ કરવો ને માફી માગવી એવો મેં ઠરાવ કર્યો. મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી. ચિઠ્ઠી માં બધો દોષ કબૂલ ક‍ર્યો ને સજા માગી, પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી, ને ભવિષ્‍યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતીજ્ઞા કરી.
મેં ધ્રૂજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. હું તેમની પાટની સામે બેઠો. આ વેળા તેમને ભગંદરનું દરદ તો હતું જ. તેથી તેઓ ખાટલાવશ હતા. ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા.
તેમણે ચિઠ્ઠી વાંચી. આંખમાંથી મોતીનાં બિંદુ ટપકયાં. ચિઠ્ઠી ભીંજાઇ. તેમણે ક્ષણવાર આંખ મીંચી ચિઠ્ઠી ફાડી નાખી, ને પોતે વાંચવા સારુ બેઠા થયા હતા તે પાછા સૂતા.
હું પણ રડયો. પિતાજીનું દુઃખ સમજી શકયો. હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું. એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે.
એ મોતીબિંદુના પ્રેમબાણે મને વીંધ્‍યો. હું શુદ્ધ થયો. એ પ્રેમ તો જેણે અનુભવ્‍યો હોય તે જ જાણે :
રામબાણ વાગ્‍યાં રે હોય તે જાણે.મારે સારુ આ અહિસાનો પદાર્થપાઠ હતો. તે વેળાં તો મેં એમાં પિતાપ્રેમ ઉપરાંત બીજું ન જોયું. પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકુ છું. આવી અહિંસા જયારે વ્‍યાપક સ્‍વરૂપ પકડે ત્‍યારે તે પોતાના સ્‍પર્શથી કોને અલિપ્‍ત રાખે ? એવી વ્‍યાપક અહિંસાની શકિતનું માપ કાઢવું અશકય છે.આવી શાંત ક્ષમા પિતાજીના સ્‍વભાવથી પ્રતિકૂળ હતી. તે ક્રોધ કરશે. કટુ વચન સંભળાવશે, કદાચ માથું કૂટશે, એવું મેં ધાર્યું હતુ;. પણ તેમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી એમ હું માનું છું. જે માણસ અધિકારી આગળ, સ્‍વેચ્‍છાએ, પોતાના દોષનો, નિખાલસપણે ને ફરી કદી તે ન કરવાનો, પ્રતિજ્ઞાપૂર્વક સ્‍વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ર્ચિત કરે છે. હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારે વિષે નિર્ભય થયા ને તેમનો મહા પ્રેમ વૃદ્ધિ પામ્‍યો.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors