ગુજરાતમાં મુખ્ય ઉત્સવો, પર્વો, સાંસ્કૃતિક વારસો

નવરાત્રિ અને ગરબા મહોત્સવો- ગુજરાતનો ગરબો એ તેનું આગવું સાંસ્કૃતિક પ્રતીક છે. પ્રત્યેક પ્રદેશમાં તેની લોકસંસ્કૃતિ હોય છે. જે આગવી ઓળખ ધરાવતી હોય છે. ગુજરાત એટલે તેનો ‘ગરબો’ અને ‘ભવાઇ’ ( નૃત્ય-નાટક-ગીત સંગીતનું મિશ્રણ) આ તમને અન્યત્ર જોવા નહીં મળે ગરબે ધૂમતી ગુજરાતણ જોવી હોય તો ગુજરાતમાં આસો માસની નવરાત્રિ (આસો સુદ એકમથી નોમ સુધી) દરમિયાન આવવું પડે નવ દિવસનાં નોરતા એ શકિતની આરાધનાના દિવસો છે. શકિતની પૂજા-અર્ચના-આરાધના અને ઉપવાસ આ નવરાત્રિ દરમિયાન થાય છે. શેરીએ શેરીએ, ફળિયે-ફળિયે અને શહેરની પ્રત્યેક સોસાયટીમાં તેમજ પાર્ટી-પ્લોટો અને કલબોમાં પણ રાત્રે શહેરની પ્રત્યેક સોસાયટીમાં તેમજ પાર્ટી-પ્લોટો અને કલબોમાં પણ રાત્રે ગરબા ગવાય છે. આખું ગુજરાત જાણે કે હિલ્લોળે ચઢે છે ! નાનાં મોટાં સૌ સ્ત્રી – પુરંષો શકિતની આરાધનામાં ગરબા ગાતાં હોય એ સર્વસામાન્ય વાત છે. ‘ગરબો’ ગુજરાતને વિશિષ્ટ ઓળખ આપે છે. રાજય સરકાર વર્ષોથી ગરબા-સ્પર્ધા યોજે છે. સાંસ્કૃતિક સંસ્થાઓ પણ ગરબાઓ અને ગરબા-સ્પર્ધાનું આયોજન કરે છે. ‘રાજયકક્ષાનો ગરબા મહોત્સવ’ (વાઇબ્રન્ટ ગુજરાત) રાજયમાં જુદા જુદા સ્થળે દરમિયાન યોજાતી હોય ઠે. દેશ-વિદેશમાં ગુજરાતનાં મંડળો ગરબાની ટીમો લઇને જાય છે અને ત્યાંના લોકોને રસ-તરબોળ કરે છે. હવે તો દુબઇ જેવા મુસ્લિમ દેશોમાં પણ ગુજરાત ઉત્સવ અને ગરબા નિયમિતપણે યોજાય છે. ગુજરાતમાં વસ્તી હિંદુ મુસ્લિમ-શીખ–પારસી-જૈન સઘળી વસ્તી ગરબે ધૂમવામાં ગૌરવ સમજે છે. સમય અને કાયદાની મર્યાદાના કેટલાક અંકુશો હોવા છતાં વહેલી સવાર સુધી આખા ગુજરાતમાં લોક ગરબે ધૂમવા ધેલું બને છે. હિન્દી ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ અને ‘હમ દિલ દે ચૂકે સનમ’ માં પણ આવો જ ગરબો ગુજરાતી કુટુંબ અને ગુજરાતી સંસ્કૃતિનું પ્રતીક બનીને આવ્યો હતો. “મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેશ, પિયાકા ઘર પ્યારા લગે!” ગરબામાં માટલીમાં છિદ્રો પાડીને, તેમાં દીપક ગોઠવવામાં આવે છે, જેને પણ ગરબો કહે છે આ ગરબો માથે લઇને નવરાત્રિના નવેનવ દિવસ દરમિયાન ગુજરાતણો મા આદ્યશકિત અંબિકા , બહુચરા વગેરેના ગરબા ગાય છે. ગરબામાં વચ્ચે અંબા માતાજીનું સ્થાપન હોય છે. અને તેની આસપાસ વર્તુળાકારમાં સ્ત્રીઓ પગની ઠેક લઇ, આગળ વધે છે અને સાથેસાથે ચપટી કે તાળીનો ઉપયોગ કરી લય અને તાલનો સુંદર સમન્વય સાધે છે. એક સાથે, એક જ સ્થળે, વર્તુળાકારમાં મધુર અવાજે ગાતી અને ગવડાવતી ગરબે ધૂમતી ગુજરાતણોને નિહાળવી એ ખરેખર એક અદ્ભુત લ્હાવો છે. આજકાલ તો વિવિધ વસ્ત્રપરિધાન રંગબેરંગી ચણીયા -ચોળીનાં વસ્ત્રો, અલંકારો તેમજ કેશગૂંફનની કલાને કારણે ગુજરાતનો ગરબો એ ખૂબ જ નયનરમ્ય બન્યો છે. દેશવિદેશના લોકો તેને નિહાળીને આશ્ચર્યમુગ્ધ થઇ જાય છે. તેમજ આ લોકનૃત્યની કલા શીખી-અનુકરણ કરી, પોતાના દેશમાં જઇ અન્ય સ્ત્રીઓને શીખવે છે. ગરબે ધૂમતી વખતે એક બહેન મા આદ્યશકિતનાં ગીતો (ગરબા) ગવડાવે છે અને અનેય બહેનો ઝીલીને પંકિતઓ દોહરાવે છે. સાથછે સાથે ખંજરી, મંજીરાં અને ઢોલકના તાલ સાથે એક સુંદર સંગીતિકા રજૂ કરે છે ! તો કયારેક દીવાવાળી થાળી સ્ત્રીઓ જયારે હાથમાં લઇ કે કોડિયું અથવા દીપકોવાળો ઘડો માથે ઇંઢોણી ઉપર મૂકી તાલબદ્ધ નૃત્ય કરતી અને સ્વયં ગાતી હોય ત્યારે એ મનોહર દૃશ્ય જોવા સમર્ગ ગામના લોકો એકત્રિત થઇ જાય છે અને આનંદ માણે છે. નવરાત્રિ દરમિયાન અને કયારેક શુભપ્રસંગોએ પણ ગરબા-મહોત્સવ યોજવામાં આવે છે.જોકે આજકાલ યુવતીઓની સાથે યુવકો પણ ગરબે ધૂમવા લાગ્યા છે તેમજ વાદ્યવૃંદો (ઓરકેસ્ટ્રા) દ્ધારા સંગીતની સાથે માઇક ઉપર બહારથી ગાયકવૃંદોએ આ ગરબા લોકનૃત્યને મોર્ડન ન બનાવી દીધો છે. દાંડિયા રાસ – ગરબાની સાથે સાથે દાંડિયા રાસ પણ ગુજરાતના સૌરાષ્ટ્રની એક ખાસ વિશિષ્ટ નૃત્ય કલા છે. રાસમાં ભાગ લેનાર દરેક વ્યકિતના બે હાથમાં બે દાંડિયા હોય છે. મજબૂત રીતે પકડેલા આ દાંડિયાની જોડીને આગળના ભાગે ભેગા કરી, ટકરાવીને, અવાજ સાથે તાલબદ્ધ રીતે ગોળાકારમાં ફરે છે સામસામા બેસીને, હરતાં ફરતાં, પરસ્પર દાંડિયા અથડાવે છે, એને ગોળાકારમાં પગની ઠેક સાથે ખૂબ સુંદર આકૃતિઓ રચે છે. રાસની સાથે ઢોલ, તબલાં, મજીરાં, ખંજરી, બંસરી,હારમોનિયમ અથવા કેસિયો વગેરે વાદ્યોના સંગીત સાથે ગીત પણ ગવાય છે. સૌરાષ્ટ્રના દાંડિયા-રાસથી સૌ કોઇ આકર્ષાય છે. * મકરસંક્રાન્તિ (ઉત્તરાયણ) અને પતંગોત્સવ એ જ રીતે બીજો મહત્વનો ઉત્સવ ઉતરાયણ એટલે કે મકરસંક્રાન્તિનો છે. ૨૨મી ડિસેમ્બર પછી, સૂર્યનું મકરવૃત્ત તરફ ગમન આરંભાય છે, તેથી દર વર્ષ ૧૪મી જાન્યુઆરીએ ‘મકરસંક્રાન્તિ’ નો ઉત્સવ ગુજરાતમાં સવિશેષ ઉજવાય છે. આજે ગુજરાત સરકાર પ્રતિ વર્ષ તેને ‘પતંગોત્સવ’ તરીકે મોટા પાયે ઉજવે છે. રંગબેરંગી પતંગોથી આકાશ ધેરાઇ જાય છે. કાટા એ કાંટા ની બૂમો સાંભળીને બહારનાને કદાચ નવાઇ લાગે ! પણ આ તો શેરીના છાપરેથી કે સોસાયટીના ધાબેથી આવતી પતંગરસિયઓની બૂમો હોય છએ. એકબીજાના પતંગ કાપવામાં તેઓ આવી બૂમરાણ ઉત્સાહપૂર્વક કરતા હોય છે. તલ, શીંગ અને મમરાની ચીકી ઉપરાંત શેરડી, બોર વગેરે ખાતાં જાય અને પતંગ ઉડાડતાં જાય, એ એક સ્વાભાવિક ક્રમ આ ઉત્સવનો બની ગયો છે . આમ તો સૂર્યની ગતિ દક્ષિણ તરફ આ દિવસથી થાય છે. તેથી તેનું ભૌગોલિક મહત્ત્વ છે. મહેસાણા નજીક મોઢેરા ખાતે ગુજરાતમાં મોઢેરા ખાતેનું છે. તેનું ઐતિહાસિક મહત્વ સહેજે ઓછું નથી. ભારત સરકારની સહાયથી આ નૃત્ય-સંગીતના કાર્યક્રમ નિયમિત રીતે પ્રતિવર્ષ યોજાય છે. રાજય સરકાર આયોજિત પતંગોત્સવમાં બિનનિવાસી ભારતીયો ઉપરાંત દેશવિદેશના પતંગ-સ્પર્ધકો અને પતંગ રસિયાઓ ઉમંગ અને ઉત્સાહથી સહભાગી થવા ઉમટી પડે છે ! વિભિન્ન રંગો, ડિઝાઇન, સ્વરૂપ, આકાર, કદવાળા પચરંગી પતંગોને ઉડાડતા વિદેશી લોકોને જોવા એ પણ એક લહાવો છે. * ગણેશોત્સવ – દર વર્ષ ભાદરવા સુદ-ચોથના દિવસજ ‘ગણેશ ચતુર્થી’ ના દિને આવતો આવો જ અનેરો એક ઉત્સવ ગણેશ ઉત્સવ છે. આઝાદી પૂર્વેના સમયમાં લોકમાન્ય ટિળક મહારાજે લોકોને સંગઠિત કરવાના ભાગરૂપે ગણેશોત્સવનું આયોજન શરૂ કરેલું આજે તે સાંસ્કૃતિક પર્વ બની ગયું છે. તે મહારાષ્ટ્રની બહાર ગુજરાત સહિત અનેક રાજયોમાં પણ ઉજવાય છે હૈંદરાબાદ પણ તેમાંથી બાકાત નથી. ગણેશની વિવિધ મુદ્રાવાળી મૂર્તિઓ લાવીને તેની સ્થાપના કરવી અને તેનું અનંત-ચૌદસે વિર્સજન કરવું એ બંને કાર્યક્રમો સરઘસરૂપે યોજાય છે. અને લોકો ગણેશભકિતમાં રમમાણ બની નાચતા-ગાતા હોય છે. પાોળે-પોળે ગણપતિસ્થાપન વિવિધ પ્રકારે થતું હોય છે. કયારેક ચોકલેટના, ફળફળાદિના, અનાજના, વનસ્પતિના- આમ અનેક પ્રકારે ગણપતિ તૈયાર કરાવાય છે. આ કલાકૃતિઓ અનેક સ્થળે વિવિધ રંગરૂપમાં નિહાળવી એ પણ અનેરો આહ્લાદ પૂરો પાડે છે. પછી તેનું વિસર્જન નદી-તળાવ-સરોવર અને સમુદ્રમાં થતું હોય છે. આ માટે સ્થાનિક વહીવટીતંત્ર ક્રેન વગેરેની સગવડ પણ પૂરી પાડે છે. * દીપાવલી આસો માસના અંતિમ દિને ઉજવાતો દિવાળી નો ઉત્સવ એ તો દીપપર્વ જ છે. આમ તો વાદ્યબારસથી માંડીને લાભપાંચમ સુધી ગરીબ-તવંગર સઘળો વર્ગ પોતપોતાની મર્યાદામાં રોશની, મીઠાઇ, ફટાકડા, નવાં, વસ્ત્રો વગેરેથી આ પર્વ ઉમંગ અને ઉત્સાહથી ઉજવે છે. મકાનો અને દુકાનોની સાફસૂફી, રંગરોગાન ઉપરાંત રંગબેરંગી રોશની કરાય છે. રાત્રે ફટાકડા ફોડાય છે. ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજન, કાળીચૌદશના દિવસે ધાર્મિક વિધિઓ, દીપાવલિની રાત્રિએ શારદાપૂજન (ચોપડાપૂજન) અને નૂતન વર્ષના દિવસે ‘સાલમુબારક’ દ્ધારા પરસ્પર મિલન-ઇત્યાદિ પરંપરા આ તહેવારની આજદિન સુધી ગુજરાતમાં અસ્ખલિત રીતે સચવાઇ છે. અંધકાર પર પ્રકાશના વિજયનું આ પર્વ છે. અમાસની રાત્રિનો અંધકાર આ દીવડાઓની હારમાળાને કારણે કયાંય લપાઇ-છૂપાઇ જાય છે. લોકો દેવદર્શન માટે મંદિરોમાં જાય છે અને ભગવાનની મૂર્તિઓને પણ અવનવા વસ્ત્રાલંકારોથી સજાવાય છે. કારતક સુદ એકમના દિને નવા વર્ષને આવકારવા બાળકો પણ નૂતન વસ્ત્રોથી સજજ થઇ સક્રિય બની જાય છે. સવારના પહોરમાં ‘સપરમે દહાડે સબરસ’ ના ગાન સાથે બાળ-ટુકડીઓ સવારના ત્રણ-ચાર વાગ્યાથી બધે મીઠું, ફૂલ અને આસોપાલવના તોરણો વહેચવા નીકળી પડે છે. એકબીજાને મળીને નવા વર્ષની ‘નૂતન વર્ષાભિનંદન’ કે ‘સાલ મુબારક’ કહીને મુબારકબાદી કે શુભેચ્છાઓ પાઠવે છે. * પર્વાધિરાજ પર્યુષણ ઃ જૈનોનાં પર્યુષણ પર્વ શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ દરમિયાન ઉજવાય છે. પર્યુષણ પર્વનો અંતિમ દિવસ ‘સંવત્સરી પર્વ ’ અર્થાત્ ક્ષમાપનાપર્વ તરીકે ઉજવાય છે. તપ, ત્યાગ, દાન વગેરેનો આ પર્વમાં મહિમા છે. પારસીઓનું પતેતી પર્વ,ખ્રિસ્તીઓનું નાતાલ પર્વ અને મુસ્લિમ બિરાદરોની રમજાન ઇદ પણ ગુજરાત રાજયમાં એટલા જ ઉત્સાહ ઉમંગથી ઉજવાય છે. અખબારો પણ વાચકોને આ પર્વ નિમિત્તે શુભેચ્ઢા પાઠવે છે અને મુસ્લિમો માટે વિવિધ રાજકીય પક્ષો ઇફતારી ના કાર્યક્રમો યોજે છે. નાતાલ તો હવે દિવાળીની માફક ઉજવાવા લાગી છે. વિવિધ કોમના લોકો તેમાં જોડાય છે અને દિવાળી કાર્ડોની માફક ઇશુના બદલાતા વર્ષે પણ શુભેચ્છા કાર્ડ્ઝ અને હેપી ન્યુ યર ની આપ-લે થતી જોવા મળે છે. આ બધા સામાજિક-ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવો છે. પરંતુ આપણાં રાષ્ટ્રીય પર્વો પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન અને છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પણ સરકારી રાહે વ્યાપકપણે ઉજવાય છે. છેલ્લાં થોડાં વર્ષોથી આ ઉત્સવો માત્ર રાજધાનીમાં જ ન ઉજવાય તે ધ્યાનમાં લેવાયું છે. હવે રાજયનાં વિવિધ શહોરોમાં તે ઉજવાય છે. આનું સારં પરિણામ એ આવ્યું છે કે જે તે શહેરના નાગરિકોને હવે લાગે છે કે અમને આ પર્વ ઉજવવાનો લાભ અપાયો છે. જે કોઇ સરકારી કાર્યક્રમો આ નિમિત્તે યોજાય છે તેમાં હવે પ્રજાની ભાગીદારી મોટા પ્રમાણમાં વધી છે. શાળા-કાૅલેજના વિદ્યાર્થીઓ અને સ્વાતંત્ર્ય સેનાની ઉપરાંત સામાન્ય પ્રજાજન પણ કાર્યક્રમો નિહાળવાને બહાને તેમાં સામેલ થાય છે. તેમને દેશની આઝાદી વિશેની અને સ્વાતંત્ર્ય લડતની જાણકારી મળે છે. વળી, રાજયમાં અનેકવિધ ક્ષેત્રે જે પ્રગતિ સધાઇ છે, તે અંગેની વિગતોથી પણ તે વાકેફ બને છે હજુ દિલ્હીના કાર્યક્રમો અન્યત્ર યોજાતા નથી, પરંતુ ગુજરાતે આ દિશામાં જે પહેલ કરી છે અને જુદા જુદા શહેરોમાં આ આઝાદીપર્વોની ઉજવણી થાય છે તે આવકાર્ય બાબત છે. આપણી લશ્કરી સિદ્ધિ, વાયુદળની કવાયત, પ્રગતિ અંગેનાં વિવિધ ખાતાંનાં થીમ પેવેલિયન અને ફલોટસ વગેરે આખરે તો પ્રજાને પણ વિકાસની ઝાંખી કરાવે છે. આપણો સાંસ્કૃતિક વારસો શો છે ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિના અવશેષોના બે મોટાં સ્થાનો મળી આવ્યા છેઃ લોથલ અને ધોળાવીરા આ બે સ્થળો ઉપરાંત રંગપુર, રોઝડી, દેશલપર, ચાંપાનેર વગેરે સ્થળો ઇતિહાસકારો અને પુરાતત્વ વિદો માટે વધુ મહત્વનાં અને ઉપયોગી છે. આપણી સંસ્કૃતિ અને ઇતિહાસના અવશેષો આપણને અતિ પ્રાચીનકાળના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે. એ જ રીતે ગુજરાતની હવેલીઓ, વાવો, વડનગરનાં તોરણ, સીદી સૈયદની જાળી, મોઢેરાનું સૂર્યમંદિર, સિદ્ધપુરનો રૂદ્રમહાલય, કુંભરિયાનું બારીક શિલ્પકલાયુકત જૈન મંદિર, સોમનાથ-દ્ધારકા-ડાકોર-અંબાજી લોકોનાં મનમાં અને ગુજરાતની અસ્મિતા તરીકે ગુજરાતની બહાર એટલાં જ મહત્વનાં બન્યાં છે. બારેમાસ લોકો આ તીર્થનોની પદયાત્રાએ નીકળીને કોઇ પ્રકારની બાધા પૂરી કરવા નિમિત્તે પણ આવાં સ્થળોએ જતાં હોય છે. તેની યાદી બનાવવા બેસીએ તો પણ ઘણી લાંબી થાય. સંખેડાનું લાકડાનું રાચરચીલું ગુજરાત બહાર જયાં પણ જોઇએ કે તરત જ ગુજરાતની યાદ આવ્યા વિના ન રહે. ગુજરાતમાં તીર્થધામો તેની એક આગવી ઓળખ ઊભી કરે છે. ગિરનાર અને પાલિતાણા અને ગબ્બર જોવાં ડુંગરા પણ ઘણા છે . અફાટ સાગરકિનારો અને હવાખાવાનાં સ્થળો છે. ગુજરાતી પોતે પણ હરવાફરવાનો શોખીન છે. ગુજરાત બહાર અને વિદેશમાં કયાંય પણ જાવ તમને મોટા પ્રમાણમાં ગુજરાતીઓ મળતા રહેવાના જયાં જયાવસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ગુજરાતીમાં કેટલું બધું પ્રવાસ સાહિત્ય લખાયું છે. ! સાત સમંદર પાર જવાની જયારે મનાઇ હતી અને લોકો નાત બહાર મૂકી દેતા ત્યારે પણ કરસનદાસ મૂળજી અને નર્મદ વિદેશપ્રવાસ ખેડી આવ્યા હતા આજે પણ સરેરાશ ગુજરાતીનું લક્ષ્ય તો જાણે ઇંગ્લેન્ડ-અમેરિકા- ઓસ્ટ્રેલીયા અને ન્યૂઝૂલૅન્ડ જ છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સર્વત્ર પ્રસરેલો છે. ગુજરાતીઓની સહિષ્ણુતા, અહિંસા, પ્રેમ, ઉષ્ણાપૂર્ણ આદર-સત્કાર, વેપારીકુનેહ વગેરે સુપ્રસિદ્ધ બની ગયાં છે.

By niharika.ravia

niharika.raviaGreetings - I'm E Marketing Specialist. I have strong background in world of Internet based marketing with SEO/SEM and e business solutions.I'm passionate about showing fellow professionals how to develop powerful profitable e business website.

My mission is to transfer this information to serve by providing our best knowledge in particular expertise and hoping to have an opportunity to prove it with our best knowledge.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors