ઓખાહરણ-કડવું-૬૬

ઓખાહરણ-કડવું-૬૬  (રાગ:ધવળ-ધનાશ્રી)
ઓખા અનિરુધ્ધ વચ્ચે વાર્તલાપ
શુકદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી;
કૃષ્ણકુંવરને બાંધી રાખ્યો, ઓખાના ઘરમાંયજી

નાનાં વિધનાં બંધન કીધાં, કાઢી ન શકે શ્વાસજી;
એક એકના મુખ દેખી, દામણાં દેખી થાય છે ઉદાસજી

બાણમતી બાણાસુરની રાણી, જળ ભરે છે ચક્ષુજી;
પુત્રી જમાઈને ભૂખ્યા જાણી, છાનું મોકલેં ભક્ષજી

કષ્ટ દેખી નાથનું ઓખા, નયણે ભરે છે નીરજી;
અનિરુદ્ધ આપબળે કરીને, ઓખાને દે છે ધીરજી.

આદરું તો અસુર કુળને, ત્રેવડું તૃણમાત્રજી;
શોભા રાખવા શ્વસુરની તો, હું બંધાયો છું ગાત્રજી.

મરડીને ઊઠું તો શીઘ્ર છુટું, દળું દાનવ જુથજી;
શું કરું જો શ્વસુર પક્ષમાં, રાખવું છે સુખજી.

આકાશ અવનિ એક થાશે, એવા નિપજશે અંધજી;
અગ્નિ કેરી જ્વાળા ધુમ્રથી, અસુર થાશે અંધજી

સદાય થાશે શામળીઓ સબળો, સઘળા છુટશે બંધજી;
કૃષ્ણ આવી બાણાસુરનાં, છેદશે સઘળાં સ્કંધજી

મારા સમ જો સુંદરી તમો, ઝાંખો કરો મુખચંદ્રજી;
બંધનથી દુ:ખ દે છે ઘણું, તારી આંખનાં અશ્રુ બુંદજી

એમ આસનાવાસના કરીને, રાખ્યું ઓખાનું મનજી;
ત્યાર પછી શું થયું, તમે સાંભળો રાજનજી

પછી ભવાનીનું સ્મરણ કરીને, બાળક લાગ્યો પાયજી,
ભગવતી ભવતારણી, આવી કરજે સહાયજી

અનિરુદ્ર માતાનું સ્મરણ કરે છે-નારદજી અનિરુદ્રને આશ્વાસન આપે છે
(ચાલ)

મા તું બ્રહ્માણી, તું ઇન્દ્રાણી, તું કૃષ્ણા;
સ્થાવર જંગમ તું સચરાચર, મૃગ ઉપર જેમ તૃષ્ણા.

દૈત્યને પાતાળ ચાંપ્યા, રક્તબીજ રણ રોળ્યા;
નિશુંભ મહિષાસુર માર્યો, ચંડમુંડ ઢંઢોળ્યો.

ધુમ્રલોચનને હાથે હણિયો, મધુકૈટભ તે માર્યા;
અનેક રૂપ ધર્યાં તે અંબા, સુરિનર પાર ઊતાર્યા.

ઓ હિંગળાજ હિંગોળી માતા, કોંઇલાપુર તે કાળી;
આદિ ઇશ્વરી તું છે અંબા, શંખલપુર બહુચર બાળી

નગરકોટની તું સીધવાઇ, બગલામુખી લાગું પાય;
રાણી ઊંટવાળી માત, બીરાજતી દક્ષિણ માંય

અન્નપુરણા ભૈરવી ત્રિપુરા, રેણુકા છત્રસંગી;
રાજેશ્વરી ચામુંડા માતા, દુ:ખહરણી માતંગી.

એવી રીતે સ્મરણ કીધું, તતક્ષણ ભવાની આવી;
અનિરુધ્ધને માયે કહ્યું, તેં બાળક કેમ બોલાવી ?

અનિરુધ્ધ કહે સાંભળો માતા, મારું દુ:ખ કહ્યું નવ જાય;
સરપ કેરા ઝેરથી, મારી ઘણી બળે છે કાય.

ભવાનીએ પ્રસન્ન થઈને, ઝેર કર્યું સરવે નાશ;
પછી અંતરધ્યાન થયા માત, બાળકની પહોંચી આશ.

એવામાં ત્યાં નારદ આવ્યા, બ્રહ્માના કુમાર;
જુએ તો કારાગ્રહમાં અનિરુધ્ધ, વરસે છે જળાધાર.

નારદ કહે અનિરુધ્ધને, મારું સંકટ કાપો;
રૂડી વહુ તમે પરણ્યા માટે, મુજને દક્ષિણા આપો.

તમને દક્ષિણાની પડી ને, જાય છે મારા પ્રાણ;
શરીર ધ્રુજે અતી ઘણું ને, બોલી ન શકે વાણ

શીદ બીહે પરાક્રમી તું, બોલ્ય મુજ સંગાથ;
બાણાસુરની વર્યો પુત્રી તે, થઈ પૃથ્વીમાં પ્રખ્યાત

દિપાવ્યો વંશ વાસુદેવનો, બંધાએ લાંછન શુંય;
કાલે માધવને મોકલું, દ્વારકામાં જાઉં છું હુંય.

ઉંડળમાં તેં આભ ઘાલ્યું, અંતર માં શે ન ફુલે?
ઘોડે ચડે તે પડે પૃથ્વી પરે, ભણે તે નર ભૂલે

વલણ-અંતર શે ન ફુલ્યો જોધ્ધા, મુકાવશે ભગવાન રે,
અનિરુધ્ધની આજ્ઞા લઈ, ઋષિ થયા અંતરધ્યાન રે

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors