Headline »

આત્મજ્ઞાન કોને થતું નથી ?

December 26, 2016 – 9:46 pm |

આત્મજ્ઞાન કોને થતું નથી ?
* જેની દષ્ટિમાંથી દેહ અને જગત હટતા નથી તને.

Read the full story »
યુવા જીવનશૈલી

યુવા જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

બિઝનેશ જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

આધ્યાત્મિક જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

સ્ત્રી જીવનશૈલી

અન્ય…

અન્ય…

Home » આધ્યાત્મિક જીવનશૈલી, બિઝનેશ જીવનશૈલી

મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ સારાંશ-પિતાજીનું મૃત્‍યુ ને મારી નામોશી

by on September 30, 2011 – 9:48 am No Comment
[ssba]

પિતાજીનું મૃત્‍યુ ને મારી નામોશી

આ જ વર્ષે પત્‍ની ગર્ભવતી થઇ. એમાં બેવડી શરમ સમાયેલી આજે હું જોઇ શકું છું. એક તો એ કે વિદ્યાભ્યાસનો આ કાળ હોવા છતાં મેં સંયમ ન જાળવ્‍યો, અને બીજી એ કે જોકે નિશાળનો અભ્‍યાસ કરવાનો ધર્મ હું સમજતો હતો અને તેથીયે વધારે માતપિતાની ભકિતનો ધર્મ સમજતો હતો, – તે એટલે સુધી કે એ બાબતમાં બાલ્યાવસ્‍થાની જ શ્રવણ મારો આદર્શ થઇ રહ્યો હતો, – તે છતાં વિષય મારા ઉપર સવાર થઇ શકતો હતો. એટલે કે, દરેક રાત્રિએ જોકે હું પિતાજી ને પગચંપી તો કરતો છતાં સાથે સાથે મન શયનગૃહ તરફ દોડયા કરતું, અને તે પણ એવે સમયે કે જયારે સ્‍ત્રીનો સંગ ધર્મશાસ્‍ત્ર, વૈદકશાસ્‍ત્ર અને વ્‍યવહારશાસ્‍ત્ર પ્રમાણે ત્‍યાજય હતો. જયારે મને સેવામાંથી છૂટી મળતી ત્‍યારે હું રાજી થતો અને પિતાશ્રી ને પગે લાગીને સીધો શયનગૃહમાં ચાલ્‍યો જતો. ??? પિતાજીની માંદગી વધતી જતી હતી. વૈદ્યોએ પોતાના લેપ અજમાવ્‍યા, હકીમોએ મલમપટ્ટીઓ અજમાવી, સામાન્‍ય હજામાદિની ઘરગથ્‍થુ દવાઓ પણ કરી; અંગ્રેજ દાકતરે પણ પોતાની અક્કલ અજમાવી. અંગ્રેજ દાકતરે શસ્‍ત્રક્રિયા એ જ ઇલાજ છે એમ સૂચવ્‍યું. કુટુંબના મિત્ર વૈદ્ય વચમાં આવ્‍યા અને એમણે પિતાજીની ઉત્તરાવસ્‍થામાં તેવી શસ્‍ત્રક્રિયા નાપસંદ કરી. અનેક પ્રકારની બાટલીઓ લીધેલી વ્‍યર્થ ગઇ અને શસ્‍ત્રક્રિયા ન થઇ. વૈદ્યરાજ બાહોશ, નામાંકિત હતા. મને લાગે છે કે જો તેમણે શસ્‍ત્રક્રિયા થવા દીધી હોત તો ઘા રુઝાવામાં અડચણ ન આવત. શસ્‍ત્રક્રિયા મુંબઇના તે સમયના પ્રખ્‍યાત સર્જન મારફત થવાની હતી. પણ અંત નજીક આવ્‍યો હતો એટલે યોગ્‍ય પગલું શાનું ભરાય ? પિતાશ્રી મુંબઇથી શસ્‍ત્રક્રિયા કરાવ્‍યા વિના અને તેને અંગે ખરીદેલો સામાન સાથે લઇને પાછા ફર્યા. તેમણે વધુ જીવવાની આશા છોડી દીધી. નબળાઇ વધતી ગઇ અને દરેક ક્રિયા બિછાનામાં જ કરવી પડે એ સ્થિતિ આવી પહોંચી, પણ છેવટે લગી તેમણે એમ કરવાનો વિરોધ જ કર્યો, અને પરિશ્રમ ઉઠાવવાનો આગ્રહ રાખ્‍યો. વૈષ્‍ણવધર્મનું એ આકરું શાસન છે. બાહ્ય શુદ્ધિ અતિ આવશ્‍યક છે, પણ પાશ્ર્ચાત્‍ય વૈદ્યકશાસ્‍ત્રે શીખવ્‍યું છે કે, મળત્‍યાગાદિનસ તથા સ્‍નાનાદિની બધી ક્રિયાઓ બિછાને પડયાં પડયાં પણ સંપૂર્ણ સ્‍વચ્‍છતાથી થઇ શકે છે, ને રોગીને કષ્‍ટ ઉઠાવવું પડતું નથી; જયારે જુઓ ત્‍યારે તેનું બિછાનું સ્‍વચ્‍છ જ હોય. આમ સચવાયેલી સ્‍વચ્‍છતાને હું તો વૈષ્‍ણવધર્મને નામે જ ઓળખું. પણ આ સમયે પિતાજીનો સ્‍નાનાદિનો સારુ બિછાનાનો ત્‍યાગ કરવાનો આગ્રહ જોઇ હું તો આશ્ર્ચર્યચકિત જ થતો અને મનમાં તેમની સ્‍તુતિ કર્યા કરતો.
અવસાનની ઘોર રાત્રિ નજીક આવી. આ વખતે મારા કાકાશ્રી રાજકોટમાં હતા. મને કંઇક એવું સ્‍મરણ છે કે પિતાશ્રીની માંદગી વધતી જાય છે એવા સમાચાર મળવાથી જ તેઓ આવેલા. બન્‍ને ભાઇઓની વચ્‍ચે ગાઢ પ્રેમભાવ વર્તાતો હતો. કાકાશ્રી આખો દિવસ પિતાશ્રીના બિછાનાની પાસે જ બેસી રહે અને અમને બધાને સૂવાની રજા આપી પોતે પિતાશ્રીના બિછાનાની પાસે સૂએ. કોઇને એવું તો હતું જ નહીં કે આ રાત્રિ આખરની નીવડશે. ભય તો સદાય રહ્યા કરતો હતો. રાતના સાડાદસ કે અગિયાર થયા હશે. હું પગચંપી કરી રહ્યો હતો. કાકાશ્રીએ મને કહ્યું, ‘તું જા, હવે હું બેસીશ. ’ હું રાજી થયો ને સીધો શયનગૃહમાં ગયો. સ્‍ત્રી તો બિચારી ભરઊંઘમાં હતી. પણ હું શાનો સૂવા દઉં ? મેં જગાડી. પાંચસાત મિનિટ થઇ હશે. તેટલામાં જે નોકરને વિશે હું લખી ગયો તેણે કમાડ ઠોકયું. મને ફાળ પડી. હું ચમકયો. ‘ઊઠ, બાપુ બહુ બિમાર છે, ’ એમ નોકરે કહ્યું. બહુ બીમાર તો હતા જ એ હું જાણતો હતો, એટલે અહીં ‘બહુ બીમાર’ નો વિશેષ અર્થ હું સમજી ગયો. બિછાનામાંથી એકદમ કૂદી પડયો.
‘શું છે કહે તો ખરો ? ’
‘બાપુ ગુજરી ગયા ! ’ જવાબ મળ્યો.
હવે હું પશ્ર્ચાતાપ કરું એ શું કામ આવે ? હું બહુ શરમાયો, બહુ દુઃખી થયો. પિતાશ્રીની ઓરડીમાં દોડી ગયો. હું સમજયો કે જો હું વિષયાંધ ન હોત તો આ છેવટની ઘડીએ મારે નસીબે વિયોગ ન હોત, અને હું પિતાજીની અંતની ઘડીએ પગચંપી કરતો હોત. હવે તો મારે કાકાશ્રીને મુખથી જ સાંભળવું રહ્યું : ‘બાપુ તો આપણને મૂકીને ચાલ્‍યા ગયા. ’ પોતાના વડીલ ભાઇના પરમ ભકત કાકા છેવટની સેવાનું માન લઇ ગયા. પિતાશ્રીને પોતાના અવસાનની આગાહી થઇ ચૂકી હતી. તેમણે સાન કરીને લખવાની સામગ્રી માગેલી. કાગળમાં તેમણે લખ્‍યું : ‘તૈયારી કરો. ’ આટલું લખીને પોતાને હાથે માદળિયું બાંધેલું હતું તે તોડીને ફેકયું. સોનાની કંઠી હતી તે પણ તોડીને ફેંકી. એક ક્ષણમાં આત્‍મા ઊડી ગયો.
મારી જે શરમનો ઇશારો મેં આગલા પ્રકરણમાં કરેલો છે તે આ શરમ, – સેવાને સમયે પણ વિષયેચ્‍છા. એ કાળો ડાઘ હું આજ સુધી ઘસી શકયો નથી, ભૂલી શકયો નથી. અને મેં હંમેશાં માન્‍યું છે કે જોકે માતપિતા પ્રત્‍યેની મારી ભકિત પાર વિનાની હતી, તેને સારું હું બધું છોડી શકતો, પણ તે સેવાને સમયે સુધ્‍ધાં મારું મન વિષયને છોડી શકતું નહોતું એ, તે સેવામાં રહેલી અક્ષમ્‍ય ઊણપ હતી. તેથી જ મેં મને એકપત્‍નીવ્રતનો પાળનાર માનવા છતાં વિષયાંધ માનેલો છે. એમાંથી છૂટતાં મને ઘણો સમય ગયો, અને છૂટતા પહેલાં ઘણાં ધર્મસંકટો વેઠવા પડયાં.
આ મારી બેવડી શરમનું પ્રકરણ પૂરું કરતાં પહેલાં એ પણ કહી જાઉં કે પત્‍નીને જે બાળક અવતર્યું તે બે કે ચાર દિવસ શ્ર્વાસ લઇને ચાલ્‍યું ગયું. બીજું પરિણામ શું હોઇ શકે ? જે માબાપોને અથવા તો જે બાલદંપતીને ચેતવું હોય તે આ દષ્‍ટાંતથી ચેતો.

 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )

Get Articles in your Inbox:


 

Leave a comment!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.

You can use these tags:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

This is a Gravatar-enabled weblog. To get your own globally-recognized-avatar, please register at Gravatar.