માણસ કર્મથી મહાન છે, જન્મથી નહિ
WhatsAppFacebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0

માણસ કર્મથી મહાન છે, જન્મથી નહિ

ભારતમાં વર્ણપ્રથાનાં મૂળ એટલાં બધાં દ્રઢ થઇ ગયાં છે, જેને કારણે સમગ્ર દેશને અને સંસ્કૃતિને ખૂબ વેઠવું પડયું છે – જે આપણે આજે વિકૃત સ્વરૃપે અનુભવી રહ્યા છીએ. વૈદિક સંસ્કૃતિ મૂળ સ્વરૂપે વર્ણપ્રથાને જડ સ્વરૃપે મહત્ત્વ આપતી ન હતી. પણ આ વર્ણપ્રથા એટલી બધી વિકૃત બની કે જેના કારણે સવર્ણ સિવાયના લોકોને ખૂબ અન્યાય થયો એમ જણાય છે.

શુદ્રોની સ્થિતિ ખૂબ દયાજનક બની અને જન્મ સવર્ણબ્રાહ્મણ શ્રેષ્ઠ ગણાવા લાગ્યો. પરિણામે આપણા જ દેશના હિન્દુ ધર્મમાં શ્રધ્ધા રાખનારાને ધર્મપરિવર્તન કરવું પડેલું.

કારણ સ્પષ્ટ છે. જે લોકો સાથે ખૂબ ખરાબ વર્તન થાય અને જેમને આપણા જ ભાઈઓ અન્યાય કરે ત્યારે આપણા ભાઈઓ આપણાથી વિમુખ થઈ, ધર્મ પરિવર્તન કરે.

આ આપણી વાસ્તવિક્તા છે. આજે આપણા દેશમાં જે લોકો ધર્મપરિવર્તન કરીને બીજા ધર્મમાં પ્રવેશ્યા છે, તે આપણા જ ભાઈઓ હતા અને છે… બીજા ધર્મે એમને માન આપ્યું, પ્રેમથી સ્વીકાર્યા અને એમના મંદિરમાં પણ દર્શન કરવા પણ જવા દીધા. આપણે તો… કહેવાની જરૃર નથી – એમને અછૂત ગણ્યા. અસ્પૃશ્ય ગણ્યા. ખરેખર તો આપણો ધર્મ વ્યાપક છે.

આપણાં ધર્મશાસ્ત્ર કહે છે કે વ્યક્તિ જન્મે નહિ, પણ કર્મે જ મહાન છે. અર્થ એ છે કે આપણે ત્યાં જન્મને મહત્ત્વ નથી આપ્યું, પણ કર્મને પ્રાધાન્ય આપ્યું છે. આ ખૂબ સ્પષ્ટ વાત છે.

જો કે આપણા રાષ્ટ્રપિતા ગાંધી મહાત્માએ જીવનભર અસ્પૃશ્યતાનો વિરોધ કર્યો અને એમને નામ આપ્યું – \’હરિજન\’. હરિજન આપણા જ ભાઈઓ છે, જેને આપણે જુદી રીતે જોઇએ છીએ.

જો કે આજે થોડો ફેર થયો છે, પણ જોઇએ તેવો નહિ. આજે પણ એવાં મંદિરો છે કે જ્યાં હિન્દુ સિવાયનાને પ્રવેશ નથી. આ કેવું ?

– યાદ રાખવા જેવું નગ્ન સત્ય છે કે દલિત ગણાતી જ્ઞાતિમાં પણ શ્રેષ્ઠ કોટિના સંતો થઇ ગયા, જે આધ્યાત્મિક કક્ષાનાં શિખરોએ પહોંચી ગયા હતા. એમાં દલિત સમાજમાં જન્મેલા સંત શિરોમણિ આદરણીય  રોહિદાસ. જન્મે દલિત,પણ કર્મે બ્રાહ્મણ. રાવણ ઋષિપુત્ર હતો, પણ તેને સંત ન કહી શકાય. ભલે તેનું તપ ખૂબ હતું,પણ તેની ભક્તિ જુદી પ્રકારની હતી. અહીં ચર્ચાને કંઇ સ્થાન નથી, પણ યાદ રાખવાની ખાસ જરૃર છે,ભક્તિ કે તપથી માણસ પવિત્ર બની જાય છે. ત્યાં વાડા કે દીવાલ રહેતી નથી. \’ગીતા\’ કહે છે કે \’પરમાત્મા પ્રાણીમાત્રમાં છે.\’ જો બધામાં તેનું ચૈતન્ય હોય તો પછી છૂત અછૂતનો પ્રશ્ન જ નથી. બીજી ભાષામાં કહીએ તો માનવમાત્ર પરમાત્મી જ પ્રજા છે. આપણો પરમપિતા સર્જનહારને અલ્લાકહો કે પ્રભુ કહો, ઇશુ કહો કે મહાવીર, બુધ્ધ કહો કે ગુરૃ ગોવિંદસિંહ – બધા આપણે માનવકૂળના જ છીએ. ક્યાં ભેદભાવ દેખાય છે ?

– આપણા જન્મનું મૂળ આપણાં (પ્રારબ્ધ) કર્મો પણ છે. માનવનો કયા કૂળમાં જન્મ થયો છે તે તેના \’સ્વયં\’ કર્મો પર આધારીત છે. આ સંદર્ભમાં \’ગીતા\’નો એક શ્લોક છે. તેના પ્રમાણે, \’પોતાની પ્રકૃતિને સ્વીકારી ને સ્વભાવના બળને લીધે વશ થયેલા આ આખાય ભૂતસમુદાયને વારંવાર એમના કર્મો અનુસાર સર્જુ છું\’ (અધ્યય -૯ શ્લોક-૮) આ શ્લોકમાં કર્મ શબ્દનો સંદર્ભ સમજવા જેવો છે. હિન્દુ ધર્મના ચુસ્ત અને પોતાની રીતે સમજ્યા એવી માન્યતા દ્રઢ થઈ. પરિણામે બ્રહ્મ કુળમાં જન્મેલો (ભલે પછી તે બ્રાહ્મતત્ત્વનાં લક્ષણો ન ધરાવતો હોય) બ્રાહ્મણ ગણ્યો… પછી તો આની વિકૃત અસર ઉભી થઈ. અને વર્ણવ્યવસ્થાએ કલ્પનામાં ન આવે તેવું સ્વરૃપ ધારણ કર્યું. જેની બહુ ચર્ચા કરવી જરૃરી નથી. અરે, આપણે યજ્ઞાનું સ્વરૃપ પણ જોવા જેવું છે. યજ્ઞામાં પણ વિકૃતિ આવી. ત્યાં \’બલિ\’ પણ અપાય, પશુનું. બુધ્ધ અને મહાવીર સ્વામીએ આમાં ક્રાંતી આણી. અહિંસાનો ચુસ્ત અને સૂક્ષ્મ ખ્યાલ આ બે યુગપુરૃષોએ આપ્યો.

– બૌધ્ધ અને જૈન ધર્મની અસર પછી યજ્ઞા બલિની જે યજ્ઞાની વિભાવના હતી તે ઓછી થઈ. બુધ્ધે અને મહાવીર તીર્થંકરે ઇતર કોમના માણસને સમાવ્યા. બ્રાહ્મણો પણ આવ્યા અને તે સિવાયના પણ. સૌને ધર્મ પાળવાનો અધિકાર મળ્યો. ભક્તિ અને તપનો મહિમા વધ્યો. બુધ્ધ ભગવાને કહ્યું કે જે શ્રેષ્ઠ સત્કાર્યો કરે, તપ કરે અને સાત્ત્વિક જીવન જીવે તેજ બ્રાહ્મણ કહેવાય. જન્મથી નહિ, પણ કર્મથી કે સત્કાર્યોથી જ બ્રાહ્મણ કહેવાય. બુધ્ધ એટલે જે સતત જાગૃતિ રાખીને મનના વિકારો પર વિજય મેળવે અને હિંસા ન કરે તે જ સાચો બ્રાહ્મણ છે. મહાવીરે પણ આની પર ભાર મૂક્યો. ગીતા અને ઉપનિષદોએ \’યજ્ઞા\’ની સુંદર વ્યાખ્યા કરી. યજ્ઞા દ્વારા – સકામ યજ્ઞાથી સ્વર્ગ મળે, પણ મુક્તિ ન મળે. આધ્યાત્મિક ઉન્નતિથી અને ભક્તિથી જ મુક્તિ મળે. મુક્તિ એટલે વાસનાઓનો ક્ષય એને જ મોક્ષ કહેવાય. આદ્ય શંકરાચાર્ય જે થયા એમણે પણ આધ્યાત્મજ્ઞાાનને શ્રેષ્ઠ કહ્યું અને એમણે અહિંસા પર પણ ભાર મૂક્યો. જ્ઞાાન અને ભક્તિને પણ મહત્ત્વ આપ્યું. એમનો અદ્વૈત વાદ ખૂબ પ્રચલિત થયો.

ત્યારબાદ પુષ્ટિ સંપ્રદાયના આચાર્યોએ ભક્તિ પર ખૂબ ભાર મૂક્યો. કહે છે કે આદ્ય શંકરાચાર્યે બલિને બદલે શ્રીફળ – નાળિયેર અને કોળું- સોપારી પ્રચલિત કર્યો. બલિ બંધ થયો. બ્રાહ્મણ ધર્મમાં ક્રાંતિ થઈ, તે આ સંતોને લીધે જ.

– સંત રોહિદાસ એક શ્રેષ્ઠ કક્ષાના આધ્યાત્મિક પુરુષ હતા. એમણે ભક્તિને સાચા સ્વરૃપે આત્મસાત કરેલી. પ્રભુભક્ત મીરાંબાઇએ સંત રોહિદાસને ગુરૃ બનાવ્યા. મેવાડના રાણાનો વિરોધ હતો, છતાં એમની પ્રતિભા જોઈ સૌ શાંત થયા. જે મીરાંબાઈના ગુરૃ હોય તેમની કક્ષા કેવી હોય ? કલ્પના કરવા જેવી છે. સંતના ગુરૃ પણ રામાનંદ સ્વામીહતા. એમની આધ્યાત્મિક પ્રતિભાથી પ્રભાવિત સૌએ એમને ગુરૃ માન્યા.

કહેવાય છે દિલ્હીના બાદશાહને અભિમાન શૂન્ય કરેલો !! સાચ બ્રાહ્મણની સુંદર વ્યાખ્યા આપીને સૌને શાંત કર્યા. ચમત્કાર કોઈ પણ પ્રકારનો હોય, બુધ્ધિનો હોય કે બીજા કોઈ પ્રકારનો હોય આવા ચમત્કાર પછી સૌ પ્રભાવિત થઇને નમી પડે છે.

– માણસ જન્મથી નથી ઓળખાતો, પણ કર્મદ્વારા જ તે ઓળખાય છે. આપણાં સત્કાર્યો જ આપણી સાચી ઓળખ બની રહે છે.

ગીતાની આજ વાત છે. \’ગીતા\’ ગુણને મહત્ત્વ આપે છે. કુળને કે જન્મને નહિ. એક જ પિતાના ચાર પુત્રો જુદી જુદી પ્રકૃતિના હોય છે. તેમાં એક જ સંત પ્રકૃતિનો પુત્ર હોય.

તે બ્રાહ્મણનો પુત્ર હોય તો પણ સંત ન હો શકે. દલિતને ત્યાં રોહિદાસ પણ જન્મે. -કર્મ જ મહત્ત્વનું બની રહે છે. આપણું પ્રારબ્ધ પણ કોણ ઘડે છે ? આપણાં કર્મો જ. એટલે વ્યક્તિ જેવાં કર્મો કરે તેવું તેને મળે. જેવું વાવો તેવું લણો. \’કર્મ કોઈને છોડતું નથી.\’ આવી કહેવતો આને આધારે જ છે.

કર્મનો સિધ્ધાંત આ માટે જાણીતો છે. કૃષ્ણ ભગવાનને પણ કર્મનો નિયમ લાગુ પડયો જ હતો…. એમનું મૃત્યુ પારધીના બાણથી થયું. અને (ભીષ્મ પિતામહને બાણશૈયા પર સૂવું પડયું કેમ ? કર્મો. સંતોએ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે. જો સંતો ન હોત તો આપણે હજુ પણ કદાચ છૂત-અછૂત ન ભૂલ્યા હોત. !! નરસિંહ મહેતાએ આમાં મોટી ક્રાંતિ આણી, હરિજનવાસમાં ભજન કરીને.

આ સંત કવિનો ફાળો પણ ઓછો ન કહેવાય. \’વૈષણવજન તો તેને રે…\’ ભજન આ સંદર્ભમાં યાદ રાખવા જેવું છે.

– મુક્તિ સત્કાર્યો દ્વારા જ મળે છે. યાદ રહે, સિંહનું ચામડું પહેરવાથી સિંહ બનતું નથી. હંસના ટોળામાં ભળવાથી કાગડો હંસ બનતો નથી મહેલ પર બેઠેલો કાગડો કદાપિ ગરૃડ નથી બનાતું. આ બધી જાણીતી ઉક્તિ નિર્દેશ કરે છે કે માણસ જન્મથી મહાન નથી પણ કર્મથી મહાન બને છે – આ સનાતન સત્યનો રણકો છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.