મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ સારાંશ-વિદેશની તૈયારી

વિદેશની તૈયારી

પાસ થયા પછી કૉલેજમાં જઇ આગળ ભણતર ચલાવવું એમ વડીલોની ઇચ્છા હતી. મુંબઇમાં પણ કૉલેજ અને ભાવનગરમાં પણ કૉલેજ ભાવનગરનું ખરચ ઓછું તેથી ભાવનગર શામળદાસ કૉલેજમાં જવાનો ઠરાવ થયો. ત્યાં મને કાંઇ આવડે નહીં, બધું મુશ્કેંલ લાગે, અધ્યાપકોનાં વ્યાખ્યાનોમાં ન પડે રસ ને ન પડે સમજ. આમાં દોષ અધ્યાપકોનો નહોતો, મારી કચાશનો જ હતો. તે કાળના શામળદાસ કૉલેજના અધ્યાપકો તો પહેલી પંકતીના ગણાતા. પહેલી ટર્મ (એટલે સત્ર) પૂરી કરી ઘેર આવ્યો.
કુટુંબના જૂના મિત્ર અને સલાહકાર એક વિદ્ધાન, વ્યવહારકુશળ બ્રાહ્મણ, માવજી દવે હતા. તેમણે પિતાજીના સ્વર્ગવાસ પછી પણ કુટુંબ સાથેનો સંબંધ કાયમ રાખ્યો હતો. તેઓ આ રજાના દિવસોમાં ઘેર આવ્યા. માતુશ્રી અને વડીલ ભાઇ સાથે વાતો કરતાં મારા ભણતર વિશે પૂછપરછ કરી. હું શામળદાસ કૉલેજમાં છું એમ સાંભળી કહ્યું : ‘જમાનો બદલાયો છે. તમે ભાઇઓમાંથી કોઇ કબા ગાંધીની ગાદી સાચવવા માગો તો તે ભણતર વિના નહીં મળે. આ છોકરો હજુ ભણે છે એટલે ગાદી સાચવવાનો બોજો તેની પાસે ઉપડાવવો જોઇએ. તેને હજુ તો ચારપાંચ વર્ષ બી. એ. થતાં જશે, અને તેટલો વખત આપ છતાં તેને પચાસસાઠ રૂપિ‍યાની નોકરી મળશે. દીવાનપદ નહીં મળે. વળી જો એને ત્યાર પછી મારા દીકરાની જેમ વકીલ બનાવીએ તો વળી બીજાં થોડા વર્ષ જાય, ને ત્યારે તો દીવાનગીરીને સારું વકીલો પણ ઘણા તૈયાર થયા હોય. તમારે તેને વિલાયત મોકલવો જોઇએ. કેવળરામ (માવજી દવેના દીકરાનું નામ) કહે છે કે ત્યાં ભણતર સહેલું છે. ત્રણ વર્ષમાં ભણીને પાછો આવશે. ખરચ પણ ચારપાંચ હજારથી વધારે નહીં થાય. જુઓને પેલા નવા બારિસ્ટર આવ્યા. છે તે કેવા દમામથી રહે છે ! તેને કારભારું જોઇએ તો આજે મળે. મારી સલાહ તો છે કે મોહનદાસને તમારે આ વર્ષે જ વિલાયત મોકલી દેવો. મારા કેવળરામને વિલાયતમાં ઘણાય દોસ્તો છે; તેમની ઉપર તે ભલામણપત્રો આપશે એટલે તેને ત્યાંહ કશી અડચણ નહીં આવે. ’
જોશીજી (અમે માવજી દવેને એ નામે સંબોધતા) ને પોતાની સલાહના સ્વીકાર વિશે કંઇ શંકા જ ન હોય તેમ મારી તરફ જોઇ મને પૂછયું :
‘કેમ, તને વિલાયત જવું ગમે કે અહીં જ ભણ્યા કરવું ? ’ મને તો ભાવતું હતું ને વૈદે બતાવ્યું . હું કૉલેજની મુશ્કેલીઓથી ડર્યો તો હતો જ. મેં કહ્યું ‘મને વિલાયત મોકલો તો તો બહુ જ સારું. કૉલેજમાં ઝટ ઝટ પાસ થવાય એમ નથી લાગતું. પણ મને દાકતરી ધંધો શીખવા ન મોકલાય ? ’
મારા ભાઇ વચ્ચે બોલ્યા :‘ એ તો બાપુને ન ગમતું. તારી વાતો કરતાં જ તે કહેતા કે આપણે વૈષ્ણવ હાડમાંસ ચૂંથવાનું કામ ન કરીએ. બાપુનો વિચાર તો તેને વકીલ બનાવવાનો જ હતો. ’
જોશીજીએ ટાપશી પૂરી :‘મને ગાંધીજીની જેમ દાકતરી ધંધાનો અણગમો નથી. આપણાં શાસ્ત્રો એ ધંધાને વખોડતાં નથી. પણ દાકતર થઇને તું દીવાન નથી થવાનો. મારે તો તારે સારુ દીવાનપદ અથવા એથીયે વધારે જોઇએ. તો જ તમારું બહોળું કુટુંબ ઢંકાય. જમાનો દહાડે દહાડે બદલાતો જાય છે ને કઠણ થતો જાય છે, એટલે બારિસ્ટર થવું એ જ ડહાપણ છે.
માતૃશ્રીની તરફ વળીને કહ્યું, ‘આજ તો હું જાઉં છું. મારા કહેવાનો વિચાર કરી જોજો. હું પાછો આવું ત્યારે તૈયારીમાં સમાચાર સાંભળવાની આશા રાખીશ. કંઇ અડચણો હોય તો મને જણાવશો. ’
જોશીજી ગયા.
હું તો હવાઇ કિલ્લા બાંધવા મંડી ગયો.
વડીલ ભાઇ વિસામણમાં પડયા, પૈસાનું શું કરવું ? વળી મારા જેવા નવજુવાનને એટલે દૂર કેમ મોકલાય !માતુશ્રીને તો કંઇ ગમ ન પડી. તેને વિયોગની વાત જ ન ગમી.પણ પ્રથમ તો તેણે આમ જ કહ્યું : ‘આપણા કુટુંબમાં હવે વડીલ તો કાકા જ રહ્યા. એટલે પહેલી સલાહ તો તેમની લેવાની રહી. તે આજ્ઞા આપે તો આપણે વિચારવાનું રહ્યું. ’
વડીલ ભાઇનો બીજો વિચાર સૂઝયો: ‘પોરબંદર રાજય ઉપર આપણે હક છે. લેલીસાહેબ ઍડમિનિસ્ટ્રે ટર છે. આપણા કુટુંબ વિશે તેમને સારો મત છે. કાકાની ઉપર તેમની ખાસ મહેરબાની છે. તેઓ કદાચ રાજય તરફથી તને થોડીઘણી મદદ કરે. ’
મને આ બધું ગમ્યું. હું પોરબંદર જવા તૈયાર થયો. તે કાળે રેલ નહોતી, ગાડામાર્ગ હતો. પાંચ દિવસનો રસ્તો હતો. હું જાતે બીકણ હતો એ તો કહી ગયો છું. પણ આ વેળા મારી બીક નાસી ગઇ. વિલાયત જવાની ઇચ્છાએ મારા ઉપર સવારી કરી. મેં ધોરાજી સુધીનું ગાડું કર્યું. ધોરાજીથી એક દિવસ વહેલા પહોંચવાના ઇરાદેથી ઊંટ કર્યું. ઊંટની સવારીનો પણ આ પહેલો અનુભવ હતો.
પોરબંદર પહોંચ્યો. કાકાને સાષ્ટાંસગ પ્રણામ કર્યા. બધી વાત સંભળાવી. તેમણે વિચાર કરી જવાબ આપ્યો : ‘વિલાયત જતાં આપણે ધર્મ સાચવી શકીએ કે નહીં એ હું નથી જાણતો. બધી વાતો સાંભળતાં તો મને શંકા આવે છે. જોને, મોટા બારિસ્ટરોને મારે મળવાનું થાય છે ત્યાભરે હું તો તેમની રહેણીમાં ને સાહેબોની રહેણીમાં કંઇ ભેદ નથી જોતો. તેમને ખાવાપીવાનો કશો બાધ હોતો નથી. સિગાર તો મોઢામાંથી નીકળે જ નહીં. પહેરવેશ જુઓ તો પણ નાગો. એ બધું આપણા કુટુંબને ન છાજે. પણ હું તારા સાહસમાં વિધ્ન નાખવા નથી માગતો. હું તો થોડા દિવસમાં જાત્રાએ જવાનો છું. મારે હવે થોડાં વર્ષ જીવવાનાં હશે. કાંઠે આવેલો હું તને વિલાયત જવાની – દરિયો ઓળંગવાની – રજા તો કેમ આપું ? પણ હું વચમાં નહીં આવું. ખરી રજા તારી બાની. જો તે તને રજા આપે તો તું સુખેથી જજે. હું તને રોકવાનો નથી એટલું કહેજે. મારી આશિષ તો તને છે જ. \’
‘આથી વધારાની આશા તમારી પાસેથી મારાથી ન જ રખાય. મારે હવે મારી બાને રાજી કરવી રહી. પણ લેલીસાહેબ ઉપર ભલામણ તો મને આપશો ના ? ’ હું બોલ્યો.
કાકાશ્રી બોલ્યા : ‘એ તો મારાથી કેમ થાય ? પણ સાહેબ ભલા છે, તું ચિ‍ઠ્ઠી લખ. કુટુંબની ઓળખાણ આપજે. એટલે જરૂર તને મળવાનો વખત આપશે ને તેમને રુચશે તો મદદ પણ કરશે. ’
મને ખ્યાલ નથી કે કાકાએ સાહેબની ઉપર ભલામણ કેમ ન આપી. મારું ઝાંખુ સ્મોરણ એવું છે કે વિલાયત જવાના ધર્મવિરુદ્ધ કાર્યમાં એટલી સીધી મદદ આપતાં તેમને સંકોચ થયો.
મેં લેલી સાહેબ ઉપર ચિઠ્ઠી લખી. તેમણે પોતાને રહેવાને બંગલે મને મળવા બોલાવ્યો . એ બંગલાની સીડી ઉપર ચડતાં ચડતાં તેઓ સાહેબ મને મળ્યા, અને ‘તું બી. એ. થા, પછી મને મળજે. હમણાં કંઇ મદદ ન અપાય’ એટલું જ કહી ઉપર ચડી ગયા. હું ખૂબ તૈયારી કરીને, ઘણાં વાકયો ગોખીને ગયો હતો. નીચા નમીને બે હાથે સલામ કરી હતી. પણ મારી મહેનત બધી વ્યર્થ ગઇ !
મારી નજર સ્ત્રી ના ઘરેણાં ઉપર ગઇ. વડીલ ભાઇના ઉપર અપાર શ્રદ્ધા હતી. તેમની ઉદારતાની સીમા નહોતી. તેમનો પ્રેમ પિતાના જેવો હતો.
હું પોરબંદરથી વિદાય થયો. રાજકોટ આવી બધી વાત સંભળાવી. જોશીજી સાથે મસલત કરી. તેમણે કરજ કરીને પણ મને મોકલવાની ભલામણ કરી. મેં મારી સ્ત્રીઅના ભાગના ઘરેણાં કાઢી નાખવાની સૂચના કરી. તેમાંથી રૂપિ‍યા બેત્રણ હજારથી વધારે નીકળે તેમ નહોતું. ભાઇએ ગમે તેમ કરી રૂપિ‍યા પૂરા પાડવાનું બીડું ઝડપ્યું .
માતા કેમ સમજે ? તેણે બધી તપાસો શરૂ કરી હતી. કોઇ કહે, જુવાનીયા વિલાયત જઇ વંઠી જાય છે; કોઇ કહે, તેઓ માંસાહાર કરે છે; કોઇ કહે, દારૂ વિના ન જ ચાલે. માતાએ આ બધું મને સંભળાવ્યું. મેં કહ્યું, ‘પણ તું મારો વિશ્વાસ નહીં રાખે ? હું તને છેતરીશ નહીં. સોગન ખાઇને કહું છું કે એ ત્રણે વસ્તુથી હું બચીશ. એવું જોખમ હોય તો જોશીજી કેમ જવા દે ? ’
માતા બોલી, ‘મને તારો વિશ્ર્વાસ છે. પણ દૂર દેશમા કેમ થાય? મારી તો અક્કલ નથી ચાલતી. હું બેચરજી સ્વામીને પૂછીશ. ’ બેચરજી સ્વાખમી મોઢ વાણિયામાંથી જૈન સાધુ થયા હતા. જોશીજી જેમ સલાહકાર પણ હતા. તેમણે મદદ કરી. તેમણે કહ્યું : ‘હું એ છોકરા પાસે બે ત્રણે બાબતની બાધા લેવડાવીશ, પછી તેને જવા દેવામાં હરકત નહીં આવે. ’ તેમણે પ્રતિજ્ઞા લેવડાવી અને મેં માસ, મદિરા અને સ્ત્રી સંગથી દૂર રહેવાથી પ્રતિજ્ઞા લીધી. માતાએ આજ્ઞા આપી.
હાઇસ્કૂલમાં મેળાવડો થયો. રાજકોટનો એક યુવાન વિલાયત જાય એ આશ્ચર્ય ગણાયું. જવાબને સારુ હું કંઇક લખી ગયેલો. તે પણ જવાબમાં ભાગ્યેય વાંચી શકયો. માથું ફરતું હતું, શરીર ધ્રુજતું હતું. એટલું મને યાદ છે.
વડીલોના આર્શીવાદ લઇ મુંબઇ જવા નીકળ્યો. મુંબઇની આ પહેલવહેલી મુસાફરી હતી. વડીલ ભાઇ સાથે આવ્યા. પણ સારા કામમાં સો વિધ્ન હોય. મુંબઇનું બારું ઝટ છૂટે તેમ નહોતું.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors