ઓખાહરણ-કડવું-૫૧
ઓખાહરણ-કડવું-૫૧ (રાગ-ધોળ)
ઓખા ને અનિરુદ્ધ રંગવિલાસ માણે છે
બોલ્યા શુકજી પ્રેમે વચન, સાંભળ પરીક્ષિત રાજન;
મળી બેથી સૌ સહિયર નારી, બોલી વચન કૌભાંડ કુમારી.
સુખ ભોગવો શ્યામા ને સ્વામી, ચિત્રલેખા કહે શીર નામી;
બાઈ તું કરજે પિયુંના જતન, રાંક હાથે આવ્યું રતન.
વરકન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો;
અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય ?
તમે નરનારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દિજે;
બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી.
હવે સતી ઓખા વલતી ભાખે, બાઈ કેમ જીવું તુંજ પાખે;
આપણ બે જણ દિન નીરગમશું, અન્ન વેંચીને જમીશું.
દુઃખ થાશે દઈશું થાવા, પણ નહિ દેઉં તુજને જાવા;
બેની હું તો રહીશ ભૂખી, તુજને નહિ થવા દઉં દુઃખી.
હું તો આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ;
મા-બાપ વેરી થયાં છે મારાં, મેં તો ચરણ સેવ્યાં છે તમારા.
તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય;
ચિત્રલેખા કહે સુણ વાણી, મારી સહિયર થઈ અજાણી.
પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રાહ્મણીનું ગાત્ર;
તુજ અર્થે લીધો અવતાર, મેળવ્યાં નારી ભરથાર.
એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન
ઓખાએ આંખડી ભરી, કંથે આસનાવાસના કરી.
સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી;
જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન.
જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલી\’તી બારી;
બેને સરખી વિજોગની પીડા, નરનારી કરે છે ક્રીડા.
બેની ચડતી જોબન કાયા, પ્રીત બંધને બાંધી માયા;
નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજબિહારી.
જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મનભાવે;
પહોંચ્યો ઓખાને અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ.
આવ્યા વર્ષા કાળના દન, મેહ ગાજે વરસે બહુ પરજન્ય;
ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકીલા વાણી મધુરી.
મહા તપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે;
તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરચે રંગે.
આંખો અંજન આ ભ્રણ સાર, તંબોળા કેરા આહાર,
તપે નિલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદપુનમના જેવો.
શીશ ફૂલ સેંથે સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સુર;
કાને ઝાલ ઝળકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી.
તાકે સોહિએ મોતીની વાળી, તેને રહ્યા અનિરુદ્ધ નિહાળી;
મોહ્યો મોહ્યો ભ્રકુટીને જોડે, મોહ્યો મોહ્યો મુખને મોડે.
મોહ્યો મોહ્યો છે ટીલડી વટે, મોહ્યો મોહ્યો કેશની લટે,
મોહ્યો મોહ્યો ઘુઘરીને ધમકે, મોહ્યો ઝાંઝરને ઝમકે.
દીઠું મેડીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારિકા ગામ;
ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસાર્યાં મા ને બાપ.
પામ્યો અધરામૃત પકવાન, તેને વિસાર્યું હરિનું ધ્યાન;
ઓખા સુખતણે સાગર, તેણે વિસાર્યો રત્નાગર.
અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હીંડે નરને નમતી;
નારી નારી મુખે ઓચરતા, હીંડે ઓખાની પૂંઠળ ફરતા.
ઘેલો કીધો મરજાદા મેલી, નવ જુવે દિવસ કે રેણી;
રાત-દિન નિરગમે છે રમી, ચારે આંખે ઝરે છે અમી.
નરનારી રમે રંગે વિલાસ,જાયે દિન માસ;
શુધબુધ તો વિસારી તહીં, એટલે ચોમાસું ગયું વહી.
(વલણ)
ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે;
કન્યા ટલી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે.
Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )
www.virtualfollow.com ( Twitter - Get More Follows )