આશ્ચર્ય સર્જી શકે છે યુવા (યુથ વર્લ્ડ)

– આરતી ઓઝા

\”કોઈનાં ભીનાં પગલાં થાશે, એવો જ એક વરતારો છે,

સ્મિત અને આંસુ બંનેમાંથી જોઈએ કોનો વારો છે ?\”

આ કાવ્યપંક્તિ ડિસેમ્બર અને જાન્યુઆરીનાં વર્તમાનપત્રો તેમ જ સામયિકો વાંચીને યાદ આવી. ભારત જેવા અતિ પ્રાચીન રાષ્ટ્રના નવયુવકો-યુવતીઓ \’ગુડ બાય ૨૦૦૯, વેલકમ ૨૦૧૦\’ માટે પાગલ બની ઊઠે તે માનવામાં આવતું નથી અને છતાં પશ્ચિમના ભૌતિકવાદી વાવાઝોડાં સામે અડીખમ ન ઊભા રહી શકનાર ભારતીય યુવાધન સાથે ૨૦૧૦ના પ્રારંભમાં કેટલીક મન મૂકી વાત કરવાની ઇચ્છા થાય છે.

વ્યક્તિ-વ્યક્તિત્વ-સમાજ

ઇન્ટરનેટનો દિન-પ્રતિદિન ઉપયોગ યુવા પેઢીમાં વધતો જાય છે ત્યારે ૨૦૦૫-૦૬-૦૭-૦૮-૦૯નો તુલનાત્મક અભ્યાસ કરવાની ઇચ્છાશક્તિ જગાવીએ તો ? ફક્ત વર્ષાન્તમાં આવેલ વર્ષભરના મુખ્ય ઘટનાક્રમ પર એક નજર ફેરવીશું તો શું ધ્યાનમાં આવશે ?

ગત પાંચ વર્ષમાં પૃથ્વી પર રહેતો મનુષ્ય વધુ વિહ્વળ, વધુ લાલસાયુક્ત, ઇર્ષાળુ, એકલસૂડો, નાની-મોટી બીમારીઓથી ગ્રસિત અને નકલખોર બનતો જાય છે.

મૌલિકતા અપનાવનાર, સામૂહિકતા પર ભાર મૂકનાર, પોતાના તેમ જ સામાજિક સ્વસ્થ્ય અંગે જાગૃત રહેનાર, અપેક્ષાઓની યાદી ટૂંકી અને કર્તૃત્વની યાદી લાંબી બનાવનાર વ્યક્તિઓ ગત વર્ષોમાં પોતાના દેશ અને સમગ્ર દુનિયામાં નામના મેળવી છે.

આપણે ફક્ત નામના મેળવવા માટે જન્મ લીધો નથી તે સાચું હોવા છતાં સફળતાપૂર્વક જીવન જીવવાની ઇચ્છા સૌ કોઈને હોય છે.

વ્યક્તિએ પોતાની દિનચર્યા, પોતાની પ્રકૃતિ, પોતાનો શોખ, પોતાની કારકિર્દી વગેરે ઘડવા માટે કેટલાક પાયાના સિદ્ધાંતો વિચારવા પડતાં હોય છે. આ પાયાના નિયમોનું પાલન તેને સફળતા બક્ષે છે અને પાયાના નિયમોનું ઉલ્લંઘન તેને નિષ્ફળતા તરફ ઘસડી જાય છે.

ભારતની યુવાશક્તિએ બે પાયાના નિયમો અવશ્ય અપનાવવા જોઈએ તેવું ગત પાંચ વર્ષના ટૂંકા ઇતિહાસમાંથી તારણ નીકળે છે.  એક-સમાજકેન્દ્રિત સ્વવિકાસ કરવો. બે-વ્યક્તિત્વને ભારતીયતાનો ઓપ આપવો.

સમાજકેન્દ્રિત સ્વવિકાસ

Our thoughts hold the power to build, bend or break our circumstances- અર્થાત્ આપણાં વ્યક્તિગત વિચારોમાં એટલી પ્રચંડ ઊર્જા છે કે આપણે જુદા જુદા સંજોગોમાંથી વિચારો દ્વારા માર્ગ કાઢી શકીએ, નવું નિર્માણ કરી શકીએ અથવા નુકસાન પહોંચાડી શકીએ.

યુવા દોસ્તો! ખરેખર મારા તમારા અંતરમાં આવી પ્રચંડ ઊર્જાનો અનુભવ ક્યારેય કર્યો છે ખરો ? શું આવી ઊર્જાની અનુભૂતિ માટે કોઈ ગુરુને શોધવા પડે ? તપ, યોગ કે ગુફાઓમાં ધ્યાન ધરવું પડે ? આ બધું સંભવ પણ નથી અને આપણને રુચિકર પણ નથી લાગતું.

ફક્ત ૨૪ કલાકમાંથી દસ મિનિટ આંખો બંધ કરી સ્થિરતાથી બેસવાની આદત પાડીશું તો આપણી આંતરિક ઊર્જાની અનુભૂતિ આપણને ચોક્કસ થશે જ. દસ મિનિટ ગીત, સંગીત, મોબાઈલ, લેપટોપ, ટી.વી., આઈપોડથી વેગળા રહેવાથી કુદરતે આપેલા સંગીતને આપણને સાંભળવાનો મોકો મળશે.

આવી ઊર્જાથી મને શું લાભ મળશે ? આ પ્રશ્ન આજના ગણતરીવાળા યુગમાં દરેક યુવક-યુવતીના મનમાં ઊભો થાય તે સ્વાભાવિક છે. આ ઊર્જાનો અનુભવ આપણામાં રહેલી શક્તિઓને સ્પષ્ટ કરશે. આપણી શક્તિઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટેના પ્રેરક વિચારો આ ઊર્જામાંથી ઊભા થશે. આ શક્તિ-ક્ષમતાના ઉપયોગ માટે બાધારૃપ આપણી અંદર રહેલા દોષ કે કુટેવ અંગે આપણને સજાગ કરશે. આ દોષ-કુટેવને તિલાંજલિ આપવા માટે આપણા મનને મક્કમ બનાવશે.

બસ ! આ ઊર્જા જ આપણા જીવનને ર્સ્ફુિતદાયક બનાવશે. આવી સતત ર્સ્ફુિતમાંથી જે ઉત્સાહ જન્મે છે તેમાં ભરતી કે ઓટ આવવાની સંભાવના જ નથી. ર્સ્ફુિત અને ઉત્સાહના જોડાણથી સકારાત્મક કર્તૃત્વ આપોઆપ ઊભરી આવશે.

આપણા હૃદયમાં શીતલ ઘેઘુર વૃક્ષનું રોપણ કરીએ તો જ ટહુકા કરતાં પંખીની મીઠાશ સાંભળવા મળશે ને ?

વ્યક્તિત્વની સજ્જા ભારતીયતાના રંગે રંગીએ

ખૂબ જ નાની વયની વ્યક્તિઓમાં હૃદયરોગ, ડાયાબિટીસ, ડિપ્રેશન જેવા રોગોનું પ્રમાણ ગત વર્ષોમાં શા માટે વધતું જોવા મળ્યું છે ? જીવનશૈલી, આચાર-વિચાર, આહાર જેવા અસંખ્ય પાસાંઓમાં આપણે કાળજી રાખવાનું ચૂક્યા છીએ.

\’ઝડપની મજા મોતની સજા.\’ આ ફક્ત હાઈવે પર ચાલકો માટે ચેતવણીનું સૂત્ર નથી. જલદી કારકિર્દીમાં સફળતા મેળવવી, જલદી ધનવાન બની જવાની ઘેલછા, જલદી સમાજમાં વાહ-વાહ થઈ જાય તેવી મહેચ્છા જેવા અસંખ્ય કારણોથી આપણે હંમેશાં તણાવગ્રસ્ત રહીએ છીએ. પશ્ચિમનું તબીબી વિજ્ઞાાન પણ હવે સ્વીકારતું થયું છે કે, તણાવયુક્ત શારીરિક તેમ જ માનસિક અવસ્થા વિભિન્ન ઘાતક રોગોનું મુખ્ય કારણ બને છે.

ઉપરોક્ત મહેચ્છાઓને સર કરવા આપણે આપણી જાતને અન્યો સાથે સતત સરખાવતાં રહીએ છીએ. દરેકના જીવનની સફળતા કે નિષ્ફળતાની યાત્રામાં કેટકેટલા ઉતાર-ચઢાવ આવ્યા છે તેની આપણે માહિતી ધરાવતા નથી. પછી શા માટે સરખામણીમાં આપણી જાતને વધુ દબાણયુક્ત બનાવવી ?

આપણા વિચારોને નકારાત્મક બનતાં રોકવાની ક્ષમતા વિકસાવવાથી અનેક ઘણો ફાયદો થાય છે.  આ મુદ્દો નવો ન હોવા છતાં તેના અમીલકરણમાં આપણે કાચા પડીએ છીએ તેવું નથી લાગતું ? જે મળવાની સંભાવના જ નહિવત્ છે તેની પાછળ દોડતાં રહેવાથી આપણે ઘણું બધું ગુમાવીએ છીએ. સ્વનિયંત્રણ વગરનું જીવન બરબાદીને આમંત્રણ આપનારું નીવડી શકે છે.

વ્યર્થ ગપસપમાં સૌથી વધુ સમય બગાડવાનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવે તો તે ભારતીય યુવાધન પૈકી જ કોઈને મળે તેમ જણાય છે. નક્કર ઘણું જ કરવા જેવું કામ આપણે ફાલતુ વાતચીતમાં સમય બગાડી નથી કરી શકતા અને પછી સમયની મારામારી બહુ રહે છે તેવી ફરિયાદ કરતા રહીએ છીએ.

ઇર્ષા આ માનવ જાતિનો બહુ મોટો દુર્ગુણ છે. આ પ્રવૃત્તિ આપણા માનસને, પછી શરીરને અને ક્રમશઃ આર્થિક, સામાજિક તેમ જ નૈતિક રીતે પાયમાલ કરે છે. ભારતનુ ં યુવાધન ઇર્ષાને દેશવટો આપી દે તો કેટલી સુખાકારી વધી શકે તેની કલ્પના કરવી પણ કઠિન છે.

જાગૃત અવસ્થામાં સ્વપ્ન જોઈએ

સ્વપ્નમાં રાચવું આ યુવા માનસની વિશેષતા છે. સ્વપ્ન સાકાર ન થાય તો નિરાશા વ્યાપે તે સહજ છે. આપણા જીવનનું આગામી દશક આપણી કલ્પના પ્રમાણેનું ત્યારે સંભવ બનશે જ્યારે આપણે જાગૃત બની સ્વપ્ન જોવાની ટેવ પાડીશું.

આ માટે કેટલાક સોનેરી સૂચનો ભારતીય પરંપરામાંથી આપણને મળે છે તેનો ચુસ્તતાથી અમલ કરીએ. આ સૂત્રો છે :

*           રોજ કંઈક સારું કામ કરવાની આદત વિકસાવીએ

*           ૭૦ વર્ષથી ઉપરના કે ૬ વર્ષથી નીચેના વ્યક્તિ સાથે દિવસમાં થોડો સમય વિતાવીએ

*           રોજ મનને તણાવમુક્ત રાખવા હસીએ અને હસાવીએ

*           જેટલું સાચું કામ કરીશું તેટલું આપણું મન સ્વચ્છ રહેશે

*           રોજગારી સિવાયના સમયમાંથી વધુમાં વધુ સમય કુટુંબ સાથે વિતાવીએ

*           કાલની કોને ખબર છે ? રોજ સવારે ઊઠીએ ત્યારે પરમ શક્તિને એક વખત યાદ કરવાની આદત લાગુ કરીએ

*           સંજોગો બદલાય, પડકારો હોય તો પણ આળસ છોડી કામ માટે સજ્જ થઈએ, તૈયાર થઈને મેદાને પડીએ

કવિની પંક્તિઓ સ્મરણમાં રાખીએ-

લોકો પણ કેવા કેવા સવાલ પૂછે છે ?

ખંજર માર્યા પછીના હાલ પૂછે છે ?

ધુત્કારને સળીએ ડામ આપે છે રોજ

પછી રોગ અને રોગનું કારણ પૂછે છે.

આશ્ચર્ય સર્જી શકવાની ક્ષમતા આપણા ભારતીય લોકોમાં જ છે. આગામી દશક ભરપૂર યુવા જનસંખ્યાના આધાર પર ભારત વિશ્વગુરુ બની શકશે. યુવાશક્તિનો વિશ્વાસ અને પુરુષાર્થ જ આ સ્વપ્નને સાકાર કરી બતાવશે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors